
અમદાવાદ, ગેરકાયદે અમેરિકા જવાનો કેસમાં મોટો ખુલાસો થયો છે. ફ્રાંસમાં ફસાયેલા મુસાફરો ગુજરાત પરત ફર્યા છે. જેમાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા અને આણંદના રહેવાસીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જેમાં સીઆઇડી ક્રાઇમએ ૧૦થી વધુ લોકોના લીધા નિવેદન લીધા છે. કબૂતરબાજી પ્રકરણમાં મોટા એજન્ટોનાં નામ બહાર આવી શકે તેવી શક્યતા છે. તો એજન્ટે ૧ કરોડ થી ૧.૨૫ કરોડ રૂપિયામાં અમેરિકા પહોંચાડવાની ડીલ કરી હોવાની આશંકા છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં પોલીસની તપાસમાં ગુજરાતના ૨૧ લોકો હોવાનું સામે આવ્યા હતા. આ તમામ લોકો ઉત્તર ગુજરાતના વતની હોવાનો ખુલાસો થયો હતો. સીઆઇડી ક્રાઇમના એસપી સંજય ખરાંતે જણાવ્યા અનુસાર આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર અને આણંદના વતની હોવાનુ સામે આવ્યુ હતુ.
જેઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સપના સેવીને બેઠા હતા. પોલીસ અધિકારીઓ હવે એ તપાસમાં જોતરાયા છે કે કયા એજન્ટો દ્વારા આ લોકોએ ઘૂસણખોરીનો માર્ગ પકડ્યો હતો. ગુરુવારે ૩૦૩ યાત્રીઓ સાથે દુબઈથી નિકારાગુઆ જવા ફ્લાઈટ નીકળેલી હતી. ઈંધણ ભરાવવા ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાઈ હતી. ત્યારે માનવ તસ્કરીની શંકાના આધારે ફ્લાઈટને વેટ્રી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવી હતી. અને આખરે, ત્રણ દિવસ સુધી સતત તપાસ બાદ ફ્લાઈટને ઉડાન ભરવાની મંજુરી અપાઈ હતી.