બેંગલુરૂ,રોહિત શર્માએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના ટી૨૦ કરિયરની પાંચમી સદી ફટકારી છે. તેણે માત્ર ૬૪ બોલમાં સદી ફટકારી. રિંકુ સિંહે પણ તેનો જોરદાર સાથ આપ્યો હતો. એક સમયે ટીમ ઈન્ડિયાએ માત્ર ૨૨ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાંથી રોહિત શર્મા અને રિંકુ સિંહે મળી ઈનિંગ સંભાળી અને પછી રેકોર્ડતોડ ભાગીદારી કરી હતી. બંને વચ્ચે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો વિશ્ર્વ રેકોર્ડ પણ બની ગયો છે. આ જોડીએ પાંચમી વિકેટ માટે ૧૯૦ રન જોડ્યા છે.
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ૪ વિકેટ માત્ર ૨૨ રનમાં પડી ગઈ હતી, પરંતુ રોહિત અડગ રહ્યો હતો. રોહિતે ૬૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૧૨૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે રિંકુ સિંહ (અણનમ ૬૯) સાથે ૫મી વિકેટ માટે ૧૯૦ રનની અણનમ ભાગીદારી કરી હતી. આ બંનેના તોફાનને કારણે ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૨ રન બનાવ્યા હતા. રિંકુ ૩૯ બોલમાં ૨ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકારીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઈને એક વિકેટ મળી હતી.
શક્તિશાળી ઓપનર રોહિત શર્માએ આ મેચમાં પોતાના કરિયરની ૫મી ટી ૨૦ ઈન્ટરનેશનલ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. તેણે પોતાના સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવ (૪ સદી) અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (૪ સદી)ને પાછળ છોડી દીધા.
રોહિત એક છેડે અટવાયેલો રહ્યો અને પછી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહ સાથે ૧૯૦ રનની અણનમ ભાગીદારી કરી. ટી૨૦માં કોઈપણ વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. આટલું જ નહીં, રોહિત ટી ૨૦માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતનો ચોથો બેટ્સમેન પણ બન્યો.