અફઘાનિસ્તાનમાં ઠંડીથી ૧૫૭ લોકોના મોત: ૭૭ હજાર પશુઓના પણ મર્યાં ગયા

  • માઇનસ ૨૮ ડિગ્રી સુધી પહોંચ્યું તાપમાન; ૨ કરોડ લોકોને જીવિત રહેવા માટે તાત્કાલિક મદદની જરૂર.

કાબુલ,

અફઘાનિસ્તાનમાં ૧૫ દિવસમાં તીવ્ર ઠંડીના કારણે ૧૫૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૭૭ હજાર પશુઓનાં પણ મોત થયાં હતાં. અહીં તાપમાન માઈનસ ૨૮ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર અનુસાર, દેશના ૨ કરોડ ૮૩ લાખ લોકોને એટલે કે લગભગ બે તૃતીયાંશ વસ્તીને જીવિત રહેવા માટે તાત્કાલિક મદદની જરૂર છે. ઠંડીના કારણે ૧૦ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધીમાં ૭૮ લોકોનાં મોત થયાં છે. છેલ્લા એક સપ્તાહમાં આ આંકડો બમણો થયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં છેલ્લાં ૧૫ વર્ષમાં આટલી તીવ્ર ઠંડી પડી નથી. બરફના તોફાનના કારણે અહીં સ્થિતિ ગંભીર બની ગઈ છે. દેશના ૩૪માંથી ૮ પ્રાંતોમાં સ્થિતિ ગંભીર છે. આ ૮ પ્રાંતોમાં ઠંડીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે.

તાલિબાન સત્તામાં આવતાંની સાથે જ અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ અધિકારોનું સંકટ વધી રહ્યું છે. હાલમાં જ મહિલાઓને એનજીઓમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે હવામાનના પ્રકોપનો સામનો કરી રહેલા લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર, બાળકોને ન્યુમોનિયા અને ઠંડીના કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હોસ્પિટલોમાં બીમાર બાળકોની સંખ્યા વધી રહી છે.મુલ્લા મોહમ્મદ અબ્બાસ અખુંદ કહે છે કે ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ ઓછી છે, જેના કારણે અહીં વધુ મોત થઈ રહ્યાં છે.

તાલિબાને ડિસેમ્બર ૨૦૨૨માં એનજીઓમાં કામ કરનારી મહિલાઓ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. એ પછી ત્યાં મદદ પહોંચાડી રહેલા વિદેશી હેલ્પિંગ ગ્રુપે ઓપરેશન બંધ કરી દીધું હતું. આ ગ્રુપમાં વધારે મહિલાઓ જ કામ કરતી હતી. આ સંબંધમાં યુએનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદે પણ કાબુલની મુલાકાત લીધી હતી. તેમણે મહિલાઓ પરના પ્રતિબંધને હટાવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેણે તેને મહિલા અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

અફઘાનિસ્તાન સરકાર ખર્ચ ચલાવવા માટે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી ૭૫% થી વધુ ભંડોળ મેળવતી હતી. પરંતુ લગભગ ૨૦ વર્ષ પછી ૨૦૨૧માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી. આ નિર્ણય પછી, ભંડોળ સિસ્ટમ પડી ભાંગી. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ માનવતાના આધાર પર નાણાકીય સહાય આપી શકે છે, પરંતુ કોઈ પણ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવાનો અથવા સેન્ટ્રલ બેંકની સંપત્તિઓને ડિફ્રીઝ કરવાનો નિર્ણય તાલિબાનના વલણ પર નિર્ભર રહેશે.

અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકની લગભગ ૧૦ અરબ ડોલરની સંપત્તિ વિદેશમાં ફ્રિઝ કરી દીધી હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ૪૪ કરોડ ડોલરનાં ઈમર્જન્સી ફંડને પણ બ્લોક કરી દીધું છે. આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન હાલમાં કરન્સીની વેલ્યૂ નીચે જવી, ખાણી-પીણીની કિંમત, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો અને ખાનગી બેંકોમાં રોકડની અછત જેવા સંકટનો સામનો કરી રહ્યું છે. કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે પણ સંસ્થાઓ પાસે પૈસા નથી.