અફઘાનિસ્તાનમાં પાક દૂતાવાસ પર હુમલાનો પાકિસ્તાનનો વિરોધ, કડક પગલા લેવાની અફઘાન સરકારે ખાતરી આપી

કાબુલ,

અફઘાનિસ્તાનના કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ગ્રુપએ સ્વીકારી છે. આ આતંકવાદી જૂથે દાવો કર્યો છે કે પાકિસ્તાનના દૂતાવાસમાં થયેલા હુમલામાં તેમના સંગઠનનો હાથ છે. શુક્રવારે કેટલાક હથિયારધારીઓએ દૂતાવાસમાં પાકિસ્તાનના રાજદૂત ઉબેદ-ઉર-રહેમાન નિજમાનીને નિશાન બનાવ્યા હતા. જોકે, આ હુમલામાં તેમનો બચાવ થયો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.જ્યારે નિજમાની પાકિસ્તાની દૂતાવાસ પરિસરમાં હતા, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગની ઘટનામાં નિજમાનીનો એક સુરક્ષાકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે નિજમાનીને કોઈ નુક્સાન થયું ન હતું. પાકિસ્તાની રાજદૂત પર હુમલાને લઈને પાકિસ્તાને અફઘાનિસ્તાનના પ્રભારી રાજદૂતને બોલાવીને આ ઘટના પર ચિંતા જતાવી હતી.

આ હુમલાની નિંદા કરતા પાકિસ્તાને આ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે અફઘાન રાજદ્વારીને શુક્રવારે સમન્સ પાઠવવામાં આવ્યા છે. અને, આ ઘટના અંગે પાકિસ્તાનની ચિંતા રજુ કરવામાં આવી છે. પાકિસ્તાને કહ્યું કે, “પાકિસ્તાનના રાજદ્વારી મિશન અને કર્મચારીઓની સુરક્ષા વચગાળાની અફઘાનિસ્તાન સરકારની જવાબદારી છે. અને આ ઘટના અફઘાન સરકારની સુરક્ષા બાબતે ગંભીર ભૂલ છે.”

એક માહિતી અનુસાર, પાકિસ્તાને માંગણી કરી છે કે આ હુમલાના ગુનેગારોને તાત્કાલિક પકડી લેવામાં આવે. પાકિસ્તાન દુતાવાસના પરિસરમાં સુરક્ષામાં રહેલી ખામીઓ બાબતે તપાસ કરવામાં આવે. અને કાબુલમાં રહી કામ કરતા પાકિસ્તાની અધિકારીઓ અને કર્મચારીઓની સલામતી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે. તો આ મામલે પ્રભારી અફઘાન રાજદૂતે કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સામાન્ય દુશ્મનોએ આ હુમલો કર્યો છે. અને અફઘાનિસ્તાન સરકાર દ્વારા હુમલાની નિંદા કરે છે. તેમણે પાકિસ્તાનને એમ પણ કહ્યું કે પાકિસ્તાની રાજદ્વારી મિશનની સુરક્ષા પહેલાથી જ વધારી દેવાઇ છે. અને અફઘાનિસ્તાન દ્વારા ન્યાય અપાવવામાં કોઈ ક્સર છોડવામાં નહીં આવે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને અફઘાનિસ્તાન સરકારના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીનો ફોન આવ્યો હતો. મુત્તાકીએ નિજમાની પરના હુમલાની સખત નિંદા કરી હતી. આતંકવાદનો સામનો કરવા માટે અફઘાનિસ્તાનના સંકલ્પને પુનરોચ્ચાર કરતા, તેમણે બિલાવલને ખાતરી આપી હતી કે અફઘાન સરકાર હુમલાના ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવશે.