અફઘાનિસ્તાનમાં દરરોજ ૧૬૭ બાળકો મૃત્યુ પામે છે,૬૦ બાળકો દીઠ માત્ર ૨ નર્સ, ઓક્સિજન માસ્ક પણ નથી

કાબુલ,અફઘાનિસ્તાનમાં દરરોજ લગભગ ૧૬૭ બાળકો મરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ આંકડો માત્ર સત્તાવાર છે અને ગ્રાઉન્ડ લેવલ પર તેની હકીક્ત વધુ ખરાબ હોઈ શકે છે. ઘોર પ્રાંતની હોસ્પિટલના ઘણા રૂમ બીમાર બાળકોથી ભરેલા છે. હોસ્પિટલમાં એક બેડ પર ઓછામાં ઓછા ૨ બાળકો દાખલ છે. સાથે જ વોર્ડમાં ૬૦ બાળકો માટે માત્ર ૨ નર્સ કામ કરી રહી છે.

યુનિસેફના જણાવ્યા અનુસાર આ બાળકો ગંભીર બીમારીઓથી પીડિત છે. જોકે, આ રોગોની સારવાર શક્ય છે. ખરેખર, અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય સુવિધાઓ હંમેશાં ખરાબ રહી છે. તાલિબાનના કબજાને કારણે હુમલાઓ, વિદેશી ફંડિંગ દ્વારા અહીં સારવારની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, પરંતુ તે પણ ૨૦૨૧ પછી બંધ થઈ ગઈ. છેલ્લા ૨૦ મહિનામાં ઘણી મોટી હોસ્પિટલો બંધ થઈ ગઈ છે.

સત્તા પર કબજો કર્યા પછી, તાલિબાન મહિલાઓ પર સતત વિવિધ પ્રતિબંધો લાદી રહ્યું છે. તેમણે મહિલાઓને એનજીઓમાં કામ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે એજન્સીઓ સમાજ સેવાના રૂપમાં પણ બાળકોને મદદ કરી શક્તી નથી. ઘોરની એક હોસ્પિટલમાં કામ કરતા ડો. સમદીએ જણાવ્યું કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર નથી. સારવાર માટે અન્ય જરૂરી મશીનોની પણ અછત છે.

ડૉ. સમદીએ કહ્યું- અમારી પાસે જરૂરી સંખ્યામાં સ્ટાફ પણ નથી. મહિલા સ્ટાફની ભારે અછત છે. જ્યારે આપણી પાસે તમામ બાળકો એવાં છે જેઓ ગંભીર હાલતમાં છે, ત્યારે આપણે કયા બાળકની સારવાર કરીએ? તેમને મરતાં જોવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.

યુએન દ્વારા અફઘાનિસ્તાન માટે જે ભંડોળની અપીલ કરવામાં આવી છે તેના માત્ર ૫% ભંડોળ તેમને મળ્યું છે. હકીક્તમાં, ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ, તાલિબાને કાબુલ તેમજ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. આ પહેલાં અફઘાનિસ્તાનમાં ૨૧ વર્ષ સુધી પબ્લિક હેલ્થકેર માટે અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ૨૦૨૧માં સત્તા પરિવર્તન બાદથી અત્યાર સુધી તાલિબાનની સરકારને માન્યતા મળી નથી. આવી સ્થિતિમાં દેશ માટે નાણાંની ફાળવણી કરવી મુશ્કેલ બની ગઈ છે.

જોકે, કેટલાક એનજીઓ હોસ્પિટલના કર્મચારીઓને પગાર ચૂકવવા અને જરૂરી સુવિધાઓ આપવા માટે ભંડોળ એકત્ર કરવાનો સતત પ્રયાસ કરી રહ્યાં છે. આ એનજીઓના મતે શક્ય છે કે મહિલાઓ પર તાલિબાનના વધતા પ્રતિબંધોને જોતા તેમને મળતું ફંડ પણ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.

હોસ્પિટલ પાસેના કબ્રસ્તાનમાં આવી અનેક કબરો છે, જ્યાં કોઈનું નામ નથી અને તેની સંભાળ રાખનાર પણ કોઈ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં ખોદવામાં આવેલી નવી કબરોમાં અડધાથી વધુ કબર બાળકોની છે. કબ્રસ્તાન પાસે રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે ભૂતકાળમાં અહીં આવેલા મોટાભાગના લોકોએ બાળકોને દફનાવ્યાં છે.