અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનની બરોબરની માઠી દશા બેઠી છે. ભારે વરસાદ પછી આવેલા પૂરના લીધે ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત બે હજારથી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે અને કેટલાય મકાનોને નુક્સાન પહોંચ્યું છે.અફઘાનિસ્તાનના બગલાન, બડકખાન, ઘોર અને હેરત વિસ્તારમા ભારે વરસાદ બાદ પૂરથી સૌથી વધુ નુક્સાન થયું છે.
તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે આ પૂરના લીધે મોટાપાયા પર લોકોના મોત થયા છે અને કેટલાયને ઇજા થઈ છે. સરકારે લોકોને બચાવવા બધા સંસાધનો કામે લગાડી દીધા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલાઈ રહ્યા છે અને મૃતદેહોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશની એરફોર્સે બચાવવાનું શરુ કર્યુ છે. કેટલાય લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે અને તેઓને એરલિફ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા અધિકારીઓએ ભાર વરસાદ અને પૂરના લીધે ૭૦થી વધુ લોકો મરી ગયા હોવાનો દાવો કર્યો હતો.
બગલાનની જોડે આવેલા તખર પ્રાંતની સરકારી હોસ્પિટલોમાં જ ૨૦થી વધુ મૃતદેહો પડેલા છે. અફઘાનિસ્તાનમાં તકલીફોનો અંત નથી. લોકો આમ પણ અનેક પરેશાનીઓ અને તકલીફોનો સામનો કરી રહ્યા હતા અને હવે પૂરે તેમની સ્થિતિ અત્યંત વિપરીત કરી નાખી છે.