અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પૂર, વીજળી પડવાથી ૫૭ના મોત

ઇસ્લામાબાદ,અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ૫૭ લોકોના મોત થયા છે. તે જ સમયે, બંને દેશોમાં એક હજારથી વધુ ઘરોને નુક્સાન થયું હતું અને ૨૫૦ થી વધુ પ્રાણીઓના પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા લોકોમાં અફઘાનિસ્તાનના ૩૩ અને પાકિસ્તાનના ૨૪ લોકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સૌથી વધુ મોત પંજાબ પ્રાંતમાં નોંધાયા છે. બંને દેશોના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.

તાલિબાનના પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા જનાન સેકે જણાવ્યું હતું કે પૂરને કારણે રાજધાની કાબુલ અને દેશના અન્ય ઘણા પ્રાંતોને અસર થઈ છે. પૂરને કારણે લગભગ ૮૦૦ હેક્ટરનો પાક નાશ પામ્યો છે અને રસ્તાઓને નુક્સાન થયું છે. સૌથી વધુ નુક્સાન પશ્ર્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંદહાર પ્રાંતમાં થયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના ૩૪માંથી મોટાભાગના પ્રાંતોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે.