અફઘાન મહિલાઓ માટે તમામ દરવાજા થઈ રહ્યા છે બંધ, તાલિબાને યુનિવસટીના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો

કાબુલ,

તાલિબાન અફઘાનિસ્તાનની મહિલાઓના અધિકારોને કચડવાનો કોઈ તક છોડતા નથી. હવે મહિલાઓ માટે યુનિવસટી શિક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જ્યારે તેમણે સત્તા પર કબજો કર્યો ત્યારે તેમણે મહિલાઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ તેમના શિક્ષણ અને સ્વતંત્રતાના અધિકારને છીનવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય આક્રોશને અવગણીને તાલિબાને મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે.

ઉચ્ચ શિક્ષણ મંત્રી નેદા મોહમ્મદ નદીમે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તમામ સરકારી અને ખાનગી યુનિવસટીઓને પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આપ સૌને જાણ કરવામાં આવે છે કે આગામી સૂચના સુધી મહિલાઓનું શિક્ષણ સ્થગિત કરવાના ઉલ્લેખિત આદેશનો તાત્કાલિક અમલ કરો. મંત્રાલયના પ્રવક્તા ઝિયાઉલ્લાહ હાશિમીએ પણ આ પત્રને ટ્વીટ કર્યો છે.

ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ ત્યારે આવ્યો છે જ્યારે દેશભરમાં હજારો છોકરીઓ અને મહિલાઓ તાજેતરમાં યુનિવસટી પ્રવેશ પરીક્ષામાં હાજર રહી હતી. ઘણી છોકરીઓ શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રે કરિયર બનાવવા ઈચ્છતી હતી. તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી યુનિવસટીઓને નવા નિયમો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું. જેમાં છોકરીઓ માટે અલગ વર્ગો અને પ્રવેશનો સમાવેશ થાય છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓને માત્ર મહિલા પ્રોફેસરો અથવા મોટી ઉંમરના પુરુષો જ ભણાવશે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘણી સરકારી નોકરીઓમાંથી દૂર કરી દેવામાં આવી હતી. તેમને પુરૂષના રિલેશન વિના મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ઘરની બહાર બુરખો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. ગયા મહિને નવેમ્બરમાં, તેના પર પાર્ક, મેળાઓ અને જીમમાં જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ બાદથી ઘણી સગીર છોકરીઓના વહેલા લગ્ન કરી દેવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં, છોકરીઓ મોટાભાગે ઉંમરમાં ઘણી મોટી ઉંમરના પુરુષો સાથે લગ્ન કરતી હતી.

આર્થિક દબાણનો સામનો કરી રહેલા ઘણા પરિવારોએ કહ્યું છે કે, લગ્ન દ્વારા તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવું વધુ સારું છે. તેમના માટે ઘરમાં નિષ્ક્રિય બેસી રહેવા કરતાં વધુ સારું છે. ગયા મહિને ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કારણ કે લોકો આદેશોને અવગણના કરી રહ્યા હતા અને મહિલાઓ હિજાબ પહેરવાના નિયમોનું પાલન કરતી નથી.