અફઝલ ગુરુનો ભાઇ કેમ લડે છે ચૂંટણી?:‘મારો ભાઇ નિર્દોષ હતો, એના હત્યારાઓને ઉઘાડા પાડીશ

તારીખ 13 ડિસેમ્બર 2001. કડકડતી ઠંડી દિલ્હીજનોને થથરાવી રહી હતી ત્યારે દેશની ગરિમા સમાન સંસદમાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે માહોલ ગરમાયો હતો. આખરે સંસદ સ્થગિત કરી દેવી પડી. આ દરમિયાન લગભગ સાડા અગિયાર કલાકે સંસદના ગેટ નંબર 12થી એક સફેદ એમ્બેસેડર કાર પ્રવેશી. અંદર બેઠેલા હતા પાંચ શખ્સો. એકે-47 અને હેન્ડગ્રેનેડથી સજ્જ. આ લોકો આતંકીઓ હતા. શંકા જતાં સિક્યોરિટી ગાર્ડ એમ્બેસેડર કારની પાછળ દોડ્યો. આતંકીઓની કાર ઉપરાષ્ટ્રપતિની કાર સાથે અથડાઈ. આતંકીઓનો દાવ પ્લાન કરતાં ઊંધો પડ્યો હતો. ગભરાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પાંચ આંતકીઓ સંસદમાં પ્રવેશવાની ફિરાકમાં હતા પણ સુરક્ષાદળના જાંબાઝ અને ચપળ જવાનોએ પાંચેય આતંકીઓને ઠાર કરીને એમની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું. પણ આ પાંચ તો પ્યાદાંઓ હતાં. સંસદ હુમલાના બે જ દિવસ પછી દિલ્હી પોલીસે સૂત્રધાર જૈશ-એ-મહોમ્મદનો કુખ્યાત આતંકી અફઝલ ગુરુ, પ્રોફેસર એસએઆર ગિલાની, અફસાન ગુરુ અને શૌકત હુસૈનની ધરપકડ કરી. આખા દેશને સ્તબ્ધ કરી નાખનારા સંસદ હુમલાના આ લોકો મુખ્ય સૂત્રધારો હતા!

‘અપને લિયે જિએ તો ક્યા જિએ, તૂ જી એ દિલ જમાને કે લિયે…’ તિહાર જેલમાં એક શખ્સ આ ગીત લલકારતો પોતાની જિંદગીની ‘આખરી’ ચાની ચૂસકી માણી રહ્યો હતો. આખરી એટલા માટે કારણકે ગણતરીની મિનિટોમાં એને ફાંસી થવાની છે. જેલરે બીજીવાર ચા પીવા ઓફર કરી, પણ એ શખ્સની ઇચ્છા અધૂરી રહી ગઇ. કારણ કે જેલમાં `ચા’ આપનાર વ્યક્તિ ચાલ્યો ગયો હતો! નિર્ધારિત સમય પ્રમાણે એને ફાંસીના માંચડે લઇ જવામાં આવ્યો. જેલ અધિક્ષકે સંકેત કરતાં જલ્લાદે લિવર ખેંચ્યું અને… થોડી ક્ષણોનાં તરફડિયાં પછી એનું શરીર નિશ્ચેતન થઇ ગયું. તિહાર જેલમાં જ એના મૃતદેહને ઇસ્લામિક રીતરિવાજ પ્રમાણે દફન કરવામાં આવ્યો… આ શખ્સ એટલે સંસદ હુમલાનો પોસ્ટર બોય બની ગયેલો આતંકી અફઝલ ગુરુ!

આંખ ઠારે એવા અનુપમ કુદરતી સૌંદર્યનો આશીર્વાદ અને કંઇકેટલીય માનવજિંદગીને ભરખી ગયેલા આતંકવાદનો અભિશાપ જેના માથે લખાયો છે એ જમ્મુ કાશ્મીર એક ઐતિહાસિક મોડમાંથી પસાર થઇ રહ્યું છે. દસ વર્ષના લાંબા સમયગાળા બાદ અને 370 હટાવ્યાનાં પાંચ વર્ષ પછી જમ્મુની 43 અને કાશ્મીરની 47 એમ 90 વિધાનસભાની બેઠકો પર તારીખ 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ત્રણ ચરણમાં ચૂંટણી થઇ રહી છે. આ ઐતિહાસિક ચૂંટણીમાં ઝંપલાવનાર એક ચર્ચિત ચહેરો છે એજાઝ અહમદ ગુરૂ. પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. સોપોર બેઠક પરથી. અપક્ષ ઉમેદવાર તરીકે. સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુના મોટાભાઇની ઓળખનું પાટિયું એમના નામ પાછળ લાગેલું છે!

..તો એજાઝ અહમદ ગુરૂએ કેમ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું? ભાઇ અલગાવવાદની રાહ પર અને પોતે લોકતાંત્રિક રાહ પર? આ તફાવતનું કારણ? 370 હટ્યા બાદના જમ્મુ-કાશ્મીરના માહોલને તેઓ કઈ રીતે જોઇ રહ્યા છે? ભાઇ અફઝલ ગુરુની વિચારધારા સાથે એજાઝ કેટલી નિસબત ધરાવે છે? અફઝલ ગુરુના નામે થતી રાજનીતિ અંગે એજાઝ શું કહે છે? એ કેમ હિન્દુવાદી નેતા બાળા સાહેબ ઠાકરેને આદરપાત્ર માને છે? આ તમામ સવાલોના જવાબો ‘દિવ્ય ભાસ્કર’એ એજાઝ અહમદ ગુરૂ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે ખૂલ્યા હતા..

370 હટ્યા બાદ પહેલી વિધાનસભા ચૂંટણી એજાઝ અહમદ પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા હતા. આ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી. 370 હટ્યા બાદની આ ઐતિહાસિક ચૂંટણી છે ત્યારે આ અંગે વાતચીતની શરૂઆત કરતાં એજાઝ અહમદ કહે છે, ‘આ ચૂંટણીમાં ઘણી બધી પાર્ટીઓ ભાગ લઇ રહી છે. રસ્તાઓ પર વિવિધ પાર્ટીના ઝંડાઓ ફરકી રહ્યા છે. નારાબાજી થઇ રહી છે. લોકો વોટ આપવા માટે બહાર નીકળી રહ્યા છે. આ ચૂંટણીનો માહોલ ભૂતકાળ કરતા જૂદો છે.’

ચૂંટણીના પ્રમુખ મુદ્દાઓ એજાઝ અહમદ ચૂંટણીના પ્રમુખ મુદ્દાઓ અંગે વાત કરતાં કહે છે, ‘મારો પહેલો મુદ્દો છે અહીંના યુવાનોની બેરોજગારીને દૂર કરવી. અહીંના યુવાનોને નોકરી-રોજગારી અપાવવી. સોપોર ક્ષેત્રમાં વિકાસ કરીને ગરીબોના પ્રશ્નો દૂર કરવા.’

શાંતિ તો આવી ગઇ છે પણ… એજાઝ અહમદ 370 બાદના બદલાયેલા માહોલ અંગે આગળ કહે છે, ‘છેલ્લાં પાંચ વર્ષથી અહીંની પરિસ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે, પરંતુ એક ખરાબી એ છે કે ભારત સરકારે અહીં બ્યુરોક્રસીને વધારે છૂટછાટ આપી છે. અહીં બ્યુરોક્રસીની મનમાની ચાલે છે. આ કારણે ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે અને અમીર વધારે અમીર. બેરોજગારી ઠેરની ઠેર છે પણ હા, શાંતિ ઘણા અંશે સ્થપાઇ ગઇ છે.’

‘મારા દીકરાને ફસાવવામાં આવ્યો છે!’ એજાઝ અહમદ ચૂંટણીમાં જેલમાં ખોટા આરોપસર સડી રહેલા યુવાનોને રોજગારી આપવાની અને એમના માટે લડવાની વાત કરે છે. મહત્વનું છે કે એજાઝના પુત્રની બારામુલ્લા પોલીસે ડિસેમ્બર 2023માં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગેરકાયદે નશીલા પદાર્થોની હેરફેરના આરોપમાં ધરપકડ કરી હતી. તે જમ્મુની કોટ-ભાલવલ જેલમાં બંધ છે. એજાઝે દીકરા પર લાગેલા આરોપને ખોટા ગણાવ્યા હતા અને પોતાના દીકરાને ફસાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

‘કાશ્મીરીઓ સાથે વિશ્વાસઘાત થયો છે’ એજાઝ અહમદ અપક્ષ ચૂંટણી લડવાનું કારણ જણાવતાં કહે છે, ‘અહીંની બધી જ પાર્ટીએ કાશ્મીરીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. કાશ્મીરી પાસે વોટ માગે છે પણ વિકાસના નામે કશું કરતા નથી. મારા સોપોર વિધાનસભા ક્ષેત્રની વાત કરું તો અહીં પાંત્રીસ વર્ષમાં કોઇ ડેવલપમેન્ટનું કામ નથી થયું. અહીં માત્ર ખોટા વાયદાઓ અપાયા છે. કોઇ કામ થયાં નથી. કાશ્મીરીઓ માસુમ કોમ છે. સીધીસાદી કોમ છે. પરંતુ અમુક લોકો પોતાનાં ખાનદાન અને બાળકો માટે પહેલાં વિચારે છે. એટલે જ હું મેદાનમાં આવ્યો છું. હું એ લોકોને કહું છું કે તમે તમારા નામે રાજનીતિ કરો ને. હિન્દુસ્તાનનું પણ ખાધું, ત્યાંથી પણ ખાધું, કાશ્મીરીઓનું પણ ખાધું, ગરીબોની સબસીડીના પૈસા અમીરોએ ખાધા. કરોડો રૂપિયા જેણે ખાધા છે એમની પાસેથી હિસાબ મંગાવો જોઇએ.’