
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 21 લોકોનાં મોત થયા હતા અને 90 કરતાં વધુને ઈજા પહોંચી હતી. આ હુમલો એક ગેસ્ટહાઉસમાં થયો હતો. વિસ્ફોટકો ભરેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો. હુમલો અફઘાનિસ્તાનના પુલ-એ-આલમ શહેરમાં થયો હતો.
અફઘાનિસ્તાનના લોગર પ્રાંતની રાજધાની પુલ-એ-આલમના એક ગેસ્ટહાઉસમાં ટ્રકની મદદથી આત્મઘાતી હુમલો થયો હતો. પૂરપાટ વેગે વિસ્ફોટકોથી લદાયેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો અને એ પછી થયેલા ઘડાકામાં 21નાં મોત થયા હતા. લગભગ 90 કરતાં વધુને ગંભીર ઈજા થઈ છે.
ગેસ્ટહાઉસમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પણ હતા અને પોલીસ અધિકારીઓની એક ટીમ પણ હતી. હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી ન હતી, પરંતુ અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે તાલિબાની હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી. ગેસ્ટહાઉસને ટાર્ગેટ કરવાનો આતંકવાદીઓનો મોટિવ શું હતો તે બાબતે પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે હુમલો એવા સમયે થયો હતો કે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન લશ્કર પાછું જશે.
તાલિબાને 1લી મેના રોજ અમેરિકાના બધા જ સૈનિકોને પાછા જવાની માગણી કરી હતી. જોકે, લોગર પ્રાંતમાં નાટો કે અમેરિકન સૈન્ય રહેતું નથી, છતાં આ પ્રાંતના પાટનગરને નિશાન બનાવવા પાછળનું કોઈ મજબૂત કારણ તપાસ એજન્સીને જણાયું ન હતું.
તપાસ અધિકારીઓએ કહ્યું હતું કે ગેસ્ટહાઉસનું છાપરું સાવ ઉડી ગયું હતું. ચારે તરફ મૃતદેહો વિખેરાયેલા પડયા હતા. મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.