
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૨૦મી જુલાઈએ ભારતના સમય પ્રમાણે સાંજે ૬.૩૦ કલાકે અંતરિક્ષયાત્રા કરશે. અવકાશવિજ્ઞાાનના ઈતિહાસમાં પ્રથમ વખત રોકેટ સંપૂર્ણ રીતે ઓટોમેટિક લોંચ થશે. એમાં સવાર થયેલા અવકાશયાત્રીઓએ માસ્ટર કંટ્રોલ સેન્ટરને લોન્ચિંગ કમાન્ડ આપ્યા પછી કોઈ જ સૂચનાઓ આપવી પડશે નહીં. આ યાત્રા સાથે જ સ્પેસ ટૂરિઝમનો નવો અધ્યાય શરૃ થશે.
જેફ બેઝોસની અવકાશયાત્રાનું બ્લૂ ઓરિજિનની વેબસાઈટમાંથી લાઈવ પ્રસારણ થશે. લોન્ચિંગના દોઢ કલાક પહેલાંથી જ પ્રસારણ શરૃ કરી દેવાશે. એમેઝોન અને બ્લૂ ઓરિજિનના માલિક જેફ બેઝોસ કંપનીએ ખાસ પ્રકારે વિકસાવેલા સંપૂર્ણ સ્વયંસંચાલિત ન્યૂ શેફર્ડ કેપ્શૂલમાં સવાર થઈને અંતરિક્ષયાત્રા કરશે.
જેફ બેઝોસ ઉપરાંત તેનો નાનો ભાઈ માર્ક બેઝોસ પણ સાથે હશે. એ સિવાય પાયલટ વેલી ફ્રેન્ડ અને ડોનેશનના માધ્યમથી ટિકિટ મેળવનારો ૧૮ વર્ષનો સ્ટૂડન્ટ ઓલિવર ડેમેન પણ બ્લૂ ઓરિજિનના બેનર હેઠળ અંતરિક્ષયાત્રા કરશે.
ન્યૂ શેફર્ડ કેપ્શૂલમાં કુલ છ મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે. વેસ્ટ ટેક્સાસમાંથી આ યાન લોંચ થશે અને ૧૧૦ કિલોમીટર સુધીની ઊંચાઈએ પહોંચશે. તે સાથે જ નવો ઈતિહાસ સર્જાશે. અગાઉ રિચાર્ડ બ્રાન્સને ૧૧મી જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરી હતી, પરંતુ તેનું યાન ૮૫ કિલોમીટરથી વધુ દૂર પહોંચ્યું ન હતું. કેરમેન લાઈન તરીકે ઓળખાતી અવકાશી સીમા સુધી બેઝોસ અને સાથી અવકાશયાત્રીઓ જશે. કેરમેન લાઈન તરીકે ઓળખાતો આ અવકાશી વિસ્તાર ધરતી અને બાહ્યાવકાશ વચ્ચેની સરહદ ગણાય છે. રિચાર્ડ બ્રાન્સનની વર્જિન ગેલેક્ટિક યાન કેરમેન લાઈનથી નીચે હોવાના કારણે બ્લૂ ઓરિજિને જ તેની અવકાશયાત્રા બાબતે સવાલો ઉઠાવ્યા હતા.
જેફ બેઝોસની અવકાશયાત્રા ૧૧ મિનિટની હશે. લોન્ચિંગ પછી તુરંત જ રોકેટ કેપ્શૂલથી અલગ થઈ જશે અને સફળતાથી લેન્ડ થશે. તે પછી કેપ્શૂલ અંતરિક્ષયાત્રા કરીને પેરાશૂટની મદદથી લેન્ડ કરશે. બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડે ૧૫માંથી ૧૪ વખત એરર વગર પરીક્ષણો કર્યા હતા. જેફ બેઝોસે આ અંતરિક્ષ યાત્રા પહેલાં ટ્વિટ કર્યું હતુંઃ પ્રેક્ટિસ પૂરી થઈ ચૂકી છે. હવે અંતરિક્ષ ઉડાન માટે રાહ જોઈ શકવાનું મારા માટે મુશ્કેલ બન્યું છે.