એક હાથમાં સિગારેટ અને બીજા હાથથી મુક્કાબાજી:વડોદરામાં 3 આરોપીએ પેટ્રોલ પંપના કર્મીને રૂ.100 પાછા આપવાનું કહી પતાવી દેવાની ધમકી આપી, પોલીસે ધરપકડ કરી

વડોદરા શહેરના અકોટા મુજમહુડા રોડ પર આવેલ ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી પૈસા પરત માંગી બે મિત્રો સહિત ત્રણ શખસે ફીલર સાથે ઝપાઝપી કરી હતી. જેમાં ફીલરને ગડદા પતિનો માર મારી પૈસા પરત ન કરીશ તો તને છોડવાનો નથી અને પતાવી જ દેવાનો છે, તેવું કહી ધમકી આપી હતી. આ ત્રણ ઇસમો સામે જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે જે. પી. રોડ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના આકોટા મુજમહુડા રોડ પર આવેલ ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ મિત્રો સાથે મળી ફીલર સાથે માથાકૂટ કરી સો રૂપિયા પરત લેવા બબાલ કરી હતી. જેમાં દીક્ષિત પટેલ નામના યુવક સાથે અન્ય બે મિત્રો મળી ફીલર સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ગડદા પાટુનો માર માર્યો હતો. સાથે જ તેઓએ ધમકી આપી હતી કે, તારી પાસેથી પૈસા લેવાના જ છે અને જો તું પૈસા નહીં આપે તો તને પતાવી જ દેવાનો છે. આ મામલે ફીલરી જે. પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પેટ્રોલ પંપ પર થયેલ બબાલમાં દૃશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. જેમાં રાત્રિના બાર વાગ્યા બાદ એક ઈસમ હાથમાં સિગારેટ અને બીજા હાથે મુક્કાબાજી કરતો જોવા મળે છે. આ સમગ્ર મામલે જે. પી. રોડ પોલીસે ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધી તમામને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પેટ્રોલ પંપ પર અભદ્ર વર્તન કરી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ ઇસમોમાં દીક્ષિત ચેતનભાઇ પટેલ (રહે મકાન નંબર 18 બી વિદ્યાઘર સોસાયટી બીનાનગરની સામે વાસના રોડ વડોદરા), કીર્તન નારાયણભાઈ અગ્રવાલ (રહે મકાન નંબર 06 ગોખલેબાગ સોસાયટી દિનેશમીલ પાસે અકોટા વડોદરા), આયુષ શિવકુમાર અગ્રવાલ (રહે ઈ 06 સપ્તગીરી ડુપ્લેક્સ તાજ વિવાન્તા હોટલની સામે અકોટા મુજ મહુડા રોડ વડોદરા)ની ધરપકડ કરી છે. સાથે આ ઈસમોએ ગુનામાં ઉપયોગમાં લીધેલ એક્ટિવાને પણ પોલીસે કબ્જે કર્યું છે.