અયોધ્યા માં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા અને સામાજિક ન્યાયના પુરોધા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન સન્માન આપવાના બે અઠવાડિયાની ભીતર રામ મંદિર આંદોલનના શિલ્પકાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન ૯૬ વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની ઘોષણા ૧૯૯૦ના દાયકાની રાજનીતિના એ ચક્રને પૂરું કરે છે, જેમાં સામાજિક ન્યાય અને રામ મંદિર આંદોલન જેવા મુદ્દાઓનું વર્ચસ્વ હતું. ઉલ્લેખનીય છેકે ૧૯૭૦માં રાજ્યસભા માટે ચૂંટાવાની સાથે જ પોતાના સંસદીય કાર્યકાળની શરૂઆત કરનારા લાલકૃષ્ણ અડવાણીએ પોતાની પહેલી લોક્સભા ચૂંટણી ૧૯૮૯માં નવી દિલ્હીથી લડી હતી. અયોધ્યા નું રામ મંદિર ભાજપ માટે હંમેશથી એક ભાવનાત્મક મુદ્દો રહ્યો, પરંતુ એ અડવાણી જ હતા, જેમની ૧૯૯૦ની સોમનાથથી અયોધ્યા ની રથયાત્રાએ રામ મંદિર આંદોલનને ન માત્ર જન આકાંક્ષાઓ સાથે જોડ્યું, બલ્કે આવનાર કેટલાય દાયકાઓ માટે રાષ્ટ્રીય રાજનીતિને પણ બદલી નાખી. લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન માત્ર એ નથી કે તેમણે ભાજપે એક શક્તિશાળી રાજકીય પક્ષમાં તબદીલ કરી, પણ તેમણે ભાજપ નેતાઓની એક આખી પેઢી તૈયાર કરી. આ પેઢીએ જ ભાજપને નવા મુકામ સુધી પહોંચાડી છે.
આજે બેશક પ્રચંડ બહુમતી ભાજપ સાથે છે, પરંતુ દેશની રાજનીતિમાં કોંગ્રેસના વિકલ્પ રૂપે ભાજપની સ્થાપનાનું શ્રેય અટલ-અડવાણીની જોડીને જ જાય છે. જનતા પાર્ટીના પ્રયોગ બાદ બનેલી પરિસ્થિતિઓમાં અટલ-અડવાણીની ચમત્કારિક જોડી જ હતી, જેણે એ સુનિશ્ચિત કર્યું કે રામ મંદિર આંદોલન બાદથી ભાજપ રાષ્ટ્રીય રાજકારણની ધરી બની રહે. આજે કથિત ભ્રષ્ટાચારના આરોપો અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના સમન્સોથી મોં છૂપાવી ભાગતા ફરતા રાજનેતાઓ અડવાણીની રાજકીય જીવનમાં શુચિતા પરથી બોધ લઈ શકે છે, જેમણે ૧૯૯૬માં હવાલા કૌભાંડમાં નામ આવતાં જ સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધું હતું અને સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત થયા બાદ જ સદનમાં પગ મૂકવાના શપથ લીધા હતા. આ તેમના નેતૃત્વની જ કમાલ હતી કે ૧૯૮૪ની બે સીટોથી વાપસી કરતાં ભાજપ ૧૯૯૬માં કોંગ્રેસને પ્રસ્થાપિત કરતાં લોક્સભામાં સૌથી મોટી પાર્ટી બની ગઈ. હિંદુત્વ અને રાષ્ટ્રવાદના સમન્વયથી રાજનીતિની નવી પરિભાષા ઘડનારા અડવાણીને લોક્સભા ચૂંટણી પહેલાં જ ભારત રત્ન સન્માનથી નવાજવા, ભાજપ અને દેશની રાજનીતિને આકાર આપવામાં તેમના અભૂતપૂર્વ યોગદાનને રેખાંક્તિ કરે છે. અડવાણીને ભારત રત્ન આપવા સામે ઊઠેલ વાંધાનું કોઈ મૂલ્ય નથી કે મોદી સરકાર પોતાના લોકોને જ સન્માન આપી રહી છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ તેમણે કર્પૂરી ઠાકુરને આ સન્માન આપ્યું હતું. સરકારી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આ સન્માન આપ્યું હતું. આવું કરીને મોદી સરકારે એ જ રેખાંક્તિ કર્યું કે તેના મનમાં બીજી વિચારધારાઓ પ્રત્યે પણ સન્માન છે.