
મુંબઈ,
રાજ્યના એડવોકેટ જનરલ આસુતોષ કુંભકોણીનું રાજીનામું કેબિનેટની બેઠકમાં સ્વીકારી લેવામાં આવ્યું અને તેને પગલે રાજકીય નિરીક્ષકોમાં એક નવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નિયુક્ત આસુતોષ કુંભકોણીને હટાવવાનો નિર્ણય લેવાની પાછળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે અણબનાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આસુતોષ કુંભકોણીએ રાજ્યમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ નવી સરકારના ગઠન બાદ એટલે કે ૩૦ જૂને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાને મોકૂફ રાખવામાં આવ્યું હતું. ૩૦ સપ્ટેમ્બરે તેમના રાજીનામાને મોકૂફ રાખવાની મુદત પૂરી થયા બાદ બીજા ત્રણ મહિના તેમનું રાજીનામું મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમની મુદત ૩૦ ડિસેમ્બરે પૂરી થતી હતી. કેબિનેટની બેઠકમાં તેમના રાજીનામા પર વિચાર કરવાનો મુદ્દો આવ્યા બાદ મુખ્ય પ્રધાને તેમના રાજીનામાનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો હતો.
આસુતોષ કુંભકોણીને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારમાં ૭ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ નોટિફિકેશન બહાર પાડીને એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.રાજ્યમાં ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બદલાઈ ત્યારે પણ કુંભકોણીએ રાજીનામું આપી દીધું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારે તેમનું રાજીનામું અસ્વીકાર કરતાં તેઓ સતત બીજી સરકારમાં એડવોકેટ જનરલ રહ્યા હતા. ત્યારબાદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારમાં પણ તેઓ રાજ્યના એડવોકેટ જનરલ રહ્યા હતા, આમ ત્રણ અલગ અલગ સરકારમાં એડવોકેટ જનરલ રહેવાનો અનોખો વિક્રમ તેમણે નોંધાવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યની સરકારમાં બધું આલબેલ ન હોવાની ચર્ચા ચાલી રહી હતી. રાજકીય નિરીક્ષકો એવો દાવો કરી રહ્યા હતા કે એકનાથ શિંદે અને ફડણવીસ વચ્ચે અણબનાવ છે, પરંતુ હવે કુંભકોણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હોવાથી આ ચર્ચાને સમર્થન મળ્યું છે.