એડલ્ટ સ્ટાર કેસના એકમાત્ર સાક્ષી માઈકલ કોહેન સામે ટ્રમ્પે ૫૦ કરોડ ડોલરનો દાવો માંડ્યોે

વોશિગ્ટન,અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે તે પોતાના પૂર્વ વકીલ વિરુદ્ધ કેસ દાખલ કરીને ચર્ચામાં આવી ગયા છે. અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પૂર્વ વકીલ માઈકલ કોહેન વિરુદ્ધ ૫૦ કરોડ ડોલરના વળતરની માંગણી કરીને કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે લોરિડાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પનો આરોપ છે કે કોહેને એટર્ની અને ક્લાયન્ટ વચ્ચેના ગોપનીયતા કરારનું ઉલ્લંઘન કર્યું છે.

ટ્રમ્પે કેસમાં માઈકલ કોહેન પર આરોપ લગાવ્યો છે કે ’તે તેમની વિરુદ્ધ ગેરમાર્ગે દોરનારી ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે, જેના કારણે તેમની ઈમેજને ઘણું નુક્સાન થયું છે. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે માઈકલ કોહેને ખોટા આચરણની તમામ હદો પાર કરી દીધી છે અને ટ્રમ્પ સામે તેમની સામે કેસ દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પર એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને કરોડો રૂપિયા આપવાનો આરોપ લાગ્યો છે. માઈકલ કોહેન આ કેસમાં ટ્રમ્પ વિરુદ્ધ એકમાત્ર સાક્ષી છે. કોહેનની જુબાની પછી જ ગ્રાન્ડ જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કાર્યવાહીને મંજૂરી આપી હતી. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોહેને દાવો કર્યો હતો કે તેણે ટ્રમ્પ વતી સ્ટોર્મી ડેનિયલ્સને ઇં૧૩૦,૦૦૦ ચૂકવ્યા હતા. ટ્રમ્પ અને સ્ટોર્મી વચ્ચેની ખાનગી વાતચીતને ગુપ્ત રાખવાના બદલામાં આ પેમેન્ટ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે માઈકલ કોહેન પહેલાથી જ ટેક્સ ફ્રોડ સહિતના અનેક ગુનાઓમાં દોષિત છે અને હાલમાં તે ત્રણ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.