ગોધરા,
દિવસેને દિવસે ભારત દેશભરમાં કૌટુંબિક તકરારો નું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. તેમજ ગેરસમજ અને નાની નાની બાબતોએ પતિ પત્નીના ઝઘડા અદાલતો સુધી પહોંચી રહ્યા છે. જે સમાજ માટે એક મોટી પરેશાની રૂપ બન્યું છે. તેવા સેન્સિટીવ વિષયને ધ્યાનમાં લઇ અધિવક્તા પરિષદ ગુજરાતના, પંચમહાલ વિભાગ દ્વારા વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે ગોધરા ખાતે સક્ષમ મહિલા સક્ષમ પરિવાર ના સૂત્ર સાથે ભવ્ય માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુગલ દંપતિઓ કે જેમના તાજેતરમાં જ લગ્ન થયા હોય અને લગ્નને તેઓ કેવી રીતે મજબૂત કરી શકે, તેમજ પતિ પત્ની વચ્ચેના સંબંધ કેવી રીતે મજબૂત કરી શકાય, તેવા ખૂબ જ મહત્વ ના વિષય ને ધ્યાને લઈ નવયુગલોને માર્ગદર્શન મળે તે માટે પૂ.સ્વામીની સ્પષ્ટાનંદ સરસ્વતીજી તેમજ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ બંકિમભાઈ મહેતા ની ખાસ ઉપસ્થિતિમાં માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગોધરા શહેરના નવપરણિત યુવક અને યુવતીઓએ ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ ભજવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં મુખ્યત્વે ગોધરાના સિનિયર એડવોકેટ પરિમલ પાઠક, હરેન્દ્ર વીરપુરા, જીતેન્દ્ર ઠાકોર તથા તેમની સાથે સાથે અધકતા પરિષદ પંચમહાલના તમામ સભ્યોનો અમૂલ્ય ફાળો રહ્યો હતો.