- એવું માનવામાં આવે છે કે ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ જ લોક્સભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે
નવીદિલ્હી, ચૂંટણી પંચમાં ટૂંક સમયમાં બે નવા કમિશનરની નિમણૂક થઈ શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક ૧૫ માર્ચે જ બોલાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ જ લોક્સભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મતલબ કે ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત માટે હજુ પાંચ-છ દિવસ રાહ જોવી પડશે. જો કે, સમિતિની બેઠક પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાયદા મંત્રાલયને પત્ર લખીને યાદીમાં સામેલ દસ્તાવેજો અને ઉમેદવારોની માહિતી માંગી છે.લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી રાજીવ મણિને લખેલા પત્રમાં ચૌધરીએ તેમને ચૂંટણી કમિશનરના પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની માહિતી તેમના બાયોડેટા સાથે મોકલવા કહ્યું છે.
ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે રચાયેલી સમિતિનો એક ભાગ એવા કોંગ્રેસના નેતાએ કાયદા મંત્રાલયના અધિકારીઓને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને માહિતી કમિશનર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની નિમણૂક માટેની પ્રક્રિયાને અનુસરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, અધીર રંજન ચૌધરી સીઆઇસી અને સીવીસીની પસંદગી માટે વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિના સભ્ય પણ છે.
કોંગ્રેસ નેતાએ કાયદા મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું તમને બેઠક પહેલા ચૂંટણી કમિશનરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોના બાયોડેટા સહિત તમામ દસ્તાવેજો પ્રદાન કરવા વિનંતી કરીશ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે ચૂંટણી કમિશનરની પસંદગી કરવા માટે ઉચ્ચ સત્તા ધરાવતી પેનલની બેઠક ૧૪ માર્ચે બપોરે ૧૨ વાગ્યે યોજાશે.
આ સમિતિ સર્વસંમતિ અથવા બહુમતીના આધારે ચૂંટણી કમિશનર માટે બે નામ નક્કી કરશે. બંનેના નામ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે તેમની નિમણૂકની સૂચના જારી કરશે. અગાઉ, અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને પછી અરુણ ગોયલના અચાનક રાજીનામા પછી, ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. કમિશનર અનુપ ચંદ્ર પાંડે ૧૪ ફેબ્રુઆરીએ ૬૫ વર્ષની વય પૂર્ણ કરીને નિવૃત્ત થયા હતા.