અદાણી સમૂહને મળેલી ૮૦,૦૦૦ કરોડની લોન પર આરબીઆઇએ બધી બેંકો પાસેથી લોનનો હિસાબ માંગ્યો

નવીદિલ્લી,

અદાણી સમૂહની મુશ્કેલી દૂર થવાનું નામ લઈ રહી નથી. હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા પછી ભૂકંપનો સામનો કરી રહેલ સમૂહના શેર પત્તાના મહેલની જેમ નીચે પડી રહ્યા છે. બીજીબાજુ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે એફપીઓ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થયા પછી પાછો લઈ લીધો. તેમ છતાં કંપનીના શેરમાં ઘટાડો ચાલુ જ છે. તેની વચ્ચે અજાણી સમૂહને લોન આપનારી બેંકોનું ટેન્શન વધી ગયું છે. અદાણી સમૂહ પર વિવિધ દેશી અને વિદેશી બેંકો અને નાણાંકીય સંસ્થાઓને ૮૦,૦૦૦ કરોડની લોન છે. જે સમૂહના કુલ દેવાની ૩૮ ટકા છે.

અદાણી સમૂહમાં ઘટાડાને જોતાં આરબીઆઈએ સ્થાનિક બેંકો પાસે અદાણી સમૂહની કંપનીઓ, સરકાર અને બેંકિગ સ્ત્રોતોમાં તેમના જોખમનો રિપોર્ટ માગ્યો છે. રિઝર્વ બેંકે બધી બેંકોને પૂછ્યું કે તેમણે અદાણી સમૂહને કયા ક્ષેત્રમાં અને કેટલી લોન આપી છે. જ્યારે હાલમાં કેટલી લોનની ચૂકવણી થઈ ગઈ છે.

અદાણી સમૂહને લઈને હિંડનબર્ગના રિપોર્ટ પછી દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ જવાબ આપ્યો હતો. ભારતીય સ્ટેટ બેંકે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અદાણી સમૂહને આપવામાં આવેલી લોન ભારતીય રિઝર્વ બેંકના એક્સપોઝર ફ્રેમ વર્કથી ઘણી ઓછી છે. જોકે એસબીઆઈએ સૂહ માટે પોતાના જોખમની રકમ પર કોઈ ટિપ્પણી કરી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંકોએ અદાણી સમૂહને જે પ્રોજેક્ટ માટે લોન આપી છે ત્યાંથી કેશ લો સારો એવો રહેલો છે.

ભારતીય જીવન વીમા નિગમે ગયા સોમવારે કહ્યું કે અદાણી સમૂહના બોન્ડ અને ઈક્વિટીમાં તેના ૩૬,૪૭૪.૭૮ કરોડ રૂપિયા લાગેલા છે અને આ રકમ વીમા કંપનીના કુલ રોકાણના એક ટકાથી પણ ઓછી છે. એલઆઈસીના મેનેજમેન્ટ અધીન કુલ સંપત્તિ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ૪૧.૬૬ લાખ કરોડ રૂપિયાથી વધારે હતી.

અદાણીની કંપનીમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત નુક્સાન કરી રહી છે. આ ભયંકર નુક્સાનના કારણે કંપનીની માર્કેટ કેપ ૧૦૦ બિલિયનથી વધારે તૂટી ગઈ છે. તેની સાથે જ ગૌતમ અદાણી પણ પૈસાદારની યાદીમાં ૨૧મા નંબરે પહોંચી ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં જે ઝડપથી અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે, તેનાથી તે દુનિયાના ત્રીજા પૈસાદાર વ્યક્તિથી ગગડીને ૨૧મા ક્રમે પહોંચ્યા છે.