હિંડનબર્ગે કરેલા ધડાકાને કારણે સાણસામાં આવેલા સેબી ચેરપર્સન માધબી બુચ અને અદાણી ગ્રુપના મુદ્દે કોંગ્રેસ અને ભાજપા વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની રમઝટ મચી છે. એક પછી એક અઘરા પ્રશ્ર્નો કરીને કોંગ્રેસે સત્તાધારી પાર્ટીને બરાબરની ભીંસમાં લીધી છે.
આ મુદ્દે આક્ષેપ કરતાં કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે, ‘અદાણી જૂથ પર કરાયેલી કાર્યવાહીનો સેબી(સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) બચાવ કરી રહી છે અને ચેરપર્સન માધબી પુરી બુચને ક્લીન ચિટ આપી રહી છે, એને અમે નકારીએ છીએ.’ કોંગ્રેસે માંગ કરી હતી કે, આ મુદ્દે ‘સેબી સમાધાન કરી શકે એવી સંભાવના હોવાથી’ સુપ્રીમ કોર્ટે આની તપાસ સીબીઆઇને અથવા વિશેષ તપાસ ટીમને ટ્રાન્સફર કરવી જોઈએ. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે માધબી બુચના રાજીનામાની માંગ કરતાં કહ્યું હતું કે, ‘કમસેકમ સેબીની અખંડિતતા પુન:સ્થાપિત કરવા માટે પણ સેબીના ચેરપર્સને રાજીનામું આપવું જોઈએ.’
આરોપોની ધાર કાઢતાં કોંગ્રેસે આંકડા ટાંકીને કહ્યું હતું કે, ‘અદાણી ગ્રુપ સામેની તપાસમાં સેબીએ ૧૦૦ સમન્સ આપ્યા, ૧૧૦૦ પત્રો અને ઈમેઇલ લખ્યા તથા ૧૨૦૦૦ પાના ભરીને તપાસ કરી, પણ એ બધું ‘આ મુદ્દે અમે બહુ બધું કામ કર્યું’ એવો દેખાડો કરવા માત્ર હતું. આવા આંકડા રજૂ કરીને મુખ્ય મુદ્દાથી યાન ભટકાવવાની કોશિશ કરાઈ છે. ફક્ત કામ કર્યાનો દેખાડો કરવાથી કશું નહીં વળે. કેટલું ફળદાયી કામ કર્યું એ મહત્ત્વનું છે. જે આ કેસમાં થયું નથી.’
કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું કે, ‘માધબી પુરી અને એમના પતિએ તેમની નાણાંકીય બાબતોને અલગ કરી દીધી હોવાનો ‘ભ્રમ’ પેદા કરવાના પ્રયાસ કર્યા હતા, પણ હવે સત્ય સામે આવી ગયું છે અને એમના દ્વારા વણાયેલી ભ્રમજાળ તૂટી ગઈ છે, કેમ કે સેબીમાં જોડાયા પછી માધબી પુરીએ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ તેના વ્યક્તિગત ઈમેઇલ એકાઉન્ટમાંથી ફંડમાં વ્યવહારો કર્યા હતા.’
કોંગ્રેસે કહ્યું હતું કે, ‘એ આઘાતજનક છે કે, સેબીના ચેરપર્સન અને એમના પતિએ બર્મુડા અને મોરેશિયસ સ્થિત એ જ ઓફશોર ફંડમાં રોકાણ કર્યું હતું જેમાં વિનોદ અદાણી અને તેમના નજીકના સહયોગીઓ ચાંગ ચુંગ-લિંગ અને નાસેર અલી શાબાન અહલીએ પણ રોકાણ કર્યું હતું. આ બન્ને ફંડ હાલમાં સેબીની તપાસ હેઠળ છે.’ આ મુદ્દે કોંગ્રેસે નીચે પ્રમાણેના પ્રશ્ર્ન કર્યા:
૧) શું સેબીના ચેરપર્સને એ ફંડ સામેની તપાસમાંથી પોતાને દૂર કરી દીધા છે?
૨) તપાસમાં વિલંબ કરાયો. શું એટલા માટે કે જેથી વિલંબથી અદાણી અને વડાપ્રધાન બન્નેને ફાયદો થાય?
૩) આ સમગ્ર મુદ્દે સેબીની પ્રતિષ્ઠાને નુક્સાન થયું છે, એનું શું? અમ્પાયર પોતે જ ફૂટી જાય તો મેચનું નિષ્પક્ષ પરિણામ આવે ખરું?
કોંગ્રેસ વતી ખુલ્લો આક્ષેપ કરતાં જયરામ રમેશે કહ્યું હતું કે, ૩ માર્ચ, ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનામાં અદાણી ગ્રુપ સામે સ્ટોકની હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોની તપાસ ઝડપથી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પણ સેબીએ અધૂરી તપાસ કરી હતી. સેબીએ તપાસના તારણો જાહેર કરવામાં એક વર્ષથી વધુ સમયનો વિલંબ કર્યો. આવા ‘સગવડતાપૂર્વકના વિલંબ’થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ‘ખાસ મિત્રની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ’ બાબતે સ્પષ્ટતા આપવાથી બચી ગયા અને એમની ચૂંટણી-નૈયા પાર લાગી ગઈ.