અદાણી ગ્રુપે પરિવારના પાર્ટનરો મારફત પોતાની કંપનીના જ શેરોની ગુપચુપ ખરીદી કરાવી હતી.

ભારતના ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણી ગ્રુપ દ્વારા અનેકવિધ ગોટાળા આચરવામાં આવ્યાના હિંડનબર્ગના સ્ફોટક રિપોર્ટ બાદ હાલત માંડ શાંત પડી છે ત્યાં નવા નવા ખુલાસા થવા લાગ્યા છે. નવા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે પરિવારના પાર્ટનરો મારફત પોતાની કંપનીના જ શેરોની ગુપચુપ ખરીદી કરાવી હતી.

ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ફરી વધવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. નવા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે ગુપચુપ રીતે પોતાના જ શેરો ખરીદ કરીને શેરબજારમાં લાખો ડોલરનું રોકાણ કર્યુ હતું.

ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેકટના રીપોર્ટનો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપના મોરેશિયસમાં થયેલા વ્યવહારોનો સર્વપ્રથમ વખત ખુલાસો થયો છે. રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે અદાણી ગ્રુપે 2013થી 2018 સુધી ગુપચુપ રીતે પોતાના ગ્રુપની કંપનીઓના શેરોની જ ખરીદી કરી હતી. મોરેશિયસ માર્ગે થયેલા વ્યવહારો તથા અદાણી ગ્રુપના આંતરિક ઈ-મેઈલના આધારે આ ખુલાસો કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. ઈન્વેસ્ટરોએ વિદેશી કંપનીઓ મારફત અદાણી ગ્રુપના શેરોમાં લે-વેચ કરી હતી.

એસસીઆરપીના રિપોર્ટમાં નસીરઅલી શાબાન અહલી તથા ચાંગ ચુંગ લીંગ નામના બે ઈન્વેસ્ટરોની ઓળખ પણ જાહેર કરવામાં આવી છે અને એનો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અદાણી ગ્રુપના લાંબાગાળાના ભાગીદાર છે અને બન્નેના વ્યવહારો ચકાસવામાં આવ્યા છે.

રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે, બન્ને ઈન્વેસ્ટરોએ રોકેલા નાણાં અદાણી પરિવાર દ્વારા જ આવતા હોવાના કોઈ પુરાવા નથી. પરંતુ દસ્તાવેજો પરથી એ સ્પષ્ટ થાય છે કે અદાણી ગ્રુપમાં તેઓનું ઈન્વેસ્ટમેન્ટ અદાણી પરિવારને સાથે રાખીને સંયુક્ત રીતે જ કરવામાં આવ્યું હતું. બન્ને ઈન્વેસ્ટરો પ્રમોટર તરફથી કરતા હતા કે કેમ તે મહત્વનું છે અને તેના આધારે કાયદાનો ભંગ થયો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે. સમગ્ર અદાણી ગ્રુપમાં અદાણી પરિવાર જ પ્રમોટર છે અને તે સંજોગોમાં અદાણી હોલ્ડીંગમાં તેઓનો હિસ્સો 75 ટકાથી અધિક થઈ જાય છે. આ રિપોર્ટ વિશે બન્ને ઈન્વેસ્ટરોએ કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

ઓસીસીઆરપી દ્વારા એમ કહેવાયુ છે કે અદાણી ગ્રુપના શેરોની ખરીદી વિશે પોતાને કોઈ જાણ ન હોવાનું ઈન્વેસ્ટર ચાંગ ચુંગ લીંગે કહ્યું હતું. અદાણી ગ્રુપ સામે આ બીજો સ્ફોટક રિપોર્ટ જાહેર થયો છે. આ પુર્વે ગત જાન્યુઆરીમાં અમેરિકાની શોર્ટ સેલીંગ ફર્મ હિંડનબર્ગે રિપોર્ટ જારી કરીને અદાણી ગ્રુપે શેરોના ભાવમાં કૃત્રિમ વધારાના કારસ્તાનો-ગેરરીતિ કર્યાનો આરોપ મુકયો હતો. અદાણી ગ્રુપે આક્ષેપો ફગાવ્યા હતા છતાં ગ્રુપ કંપનીઓના શેરોમાં ધોવાણ થયુ હતું. આ મામલાના રાજકીય પ્રત્યાઘાતો પણ પડયા હતા. ઉપરાંત મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે તપાસ માટે નિષ્ણંત કમીટીનું ગઠન કર્યુ હતું તેના દ્વારા રિપોર્ટ સુપરત કરી દેવાયો હતો અને કોઈ વાંધાજનક નહીં હોવાનું સ્પષ્ટ કરાયુ હતું. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તાજેતરમાં જ તપાસ રિપોર્ટ સોંપ્યો હતો જે હજુ સર્વોચ્ચ અદાલતે હાથ પર લીધો નથી.અદાણી ગ્રુપે બચાવમાં એવું સ્પષ્ટ કર્યુ હતું કે તેના દ્વારા તમામ નિયમોનું પાલન કરાયુ હતું છતાં શેરમાર્કેટમાં ગંભીર પ્રત્યાઘાતો પડયા હતા. અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 150 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.