
- ગ્રુપ ૪૦૦૦ કરોડની લોન ચૂકવશે, હિન્ડનબર્ગ પર કાલે સુપ્રીમમાં સુનાવણી.
નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટ પર સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજી પર શુક્રવારે સુનાવણી થશે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. એડવોકેટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આ મામલાની અર્જન્ટ લિસ્ટિંગની અપીલ કરી હતી.
૨૪ જાન્યુઆરીના રોજ, હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. રિપોર્ટમાં ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે એટલે કે ૩ ફેબ્રુઆરીએ અદાણી એન્ટરપ્રાઇઝનો શેર ૧૦૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. જોકે, પાછળથી તેમાં રિકવરી જોવા મળી હતી.
બીજીબાજુ, ભારતીય શેરબજારમાં સવારથી જ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને મામૂલી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજારના આ ઘટાડાની અસર અદાણી ગ્રુપના શેર્સ પર પણ જોવા મળી રહી છે. અદાણી ગ્રુપની લેગશિપ કંપની એન્ટરપ્રાઇઝિસનો શેર આજે ૧૦% નીચે છે. ગઈકાલે અદાણી એન્ટરપ્રાઇઝમાં ૨૩%નો વધારો જોવા મળ્યો હતો.
અદાણી ગ્રુપ તેની ઇં૫૦૦ મિલિયન (આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયા)ની બેંક લોન સમય પહેલા ચૂકવવાની તૈયારી કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, ગ્રુપ આવતા મહિને આવું કરી શકે છે. અદાણી ગ્રુપે ગયા વર્ષે હોલસીમ લિમિટેડની સિમેન્ટ એસેટ્સ ખરીદવા માટે ૪.૫ બિલિયનની લોન લીધી હતી.
આ લોન બાર્કલેઝ પીએલસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી અને ડોઇશ બેંક સહિત અનેક બેંકો પાસેથી લીધી હતી. આ લોનનો એક ભાગ ૯ માર્ચે ચૂકવવાનો છે. અદાણી ગ્રુપ આ લોન સમય પહેલા જ ચૂકવવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે આ લોનના કેટલાક ભાગને રિફાઇનાન્સ કરવા માટે બેંકો સાથે વાતચીત કરવામાં આવી રહી હતી, પરંતુ હવે તેમણે લોનની ચૂકવણી કરવાનો નિર્ણય લીધો છે.
ફ્રાન્સની ટોટલ એનર્જીએ અદાણી ગ્રુપ સાથેની હાઇડ્રોજન પાર્ટનરશિપને હાલ માટે અટકાવવામાં દીધી છે. હિન્ડનબર્ગના આરોપો અને ઓડિટની માગણીઓને કારણે પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો છે. એમએસસીઆઇએ ગ્રુપ પર રિવ્યૂ કરવાનું કહ્યું છે, જે તેના માટે નેગેટિવ સમાચાર છે.
અદાણી વિલ્મર લિમિટેડે બુધવારે તેના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો નફો ૧૬.૫% વધીને ૨૪૬ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં તેમનો નફો ૨૧૧ કરોડ રૂપિયા હતો. કામગીરીમાંથી કંપનીની આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ૧૪,૩૭૦.૯૨ કરોડ રૂપિયાથી વધીને ૧૫,૪૩૮.૦૫ કરોડ રૂપિયા થઈ છે.