મુંબઇ,
બોલીવૂડ એક્ટ્રેસ અને વિવાદો ભડકાવનારી કંગના રણૌત તો ઠીક તેના બોડીગાર્ડ પણ હવે ચર્ચામાં આવવા માંડ્યા છે. આજકાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઓછી જાણીતી એક્ટ્રેસ સોફી ચૌધરી પોતાની નિવાસી બિલ્ડિંગની બહાર કંગનાના સરકારી બોડીગાર્ડ સાથે તુતુ મેમે કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા જ નેટિઝન્સ કંગનાના રિએક્શનની રાહ જોઇ રહ્યા છે.
૨૦૨૦માં કંગનાએ હિમાચલ સરકારને સુરક્ષા આપવાની ભલામણ કરી હતી. રાજ્યની ભાજપ સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે રાજ્યની બહાર કંગનાને સુરક્ષા આપવામાં આવે. ગૃહ મંત્રલાયે આ ભલામણ સ્વીકારીને મંજૂરી આપી હતી અને કંગનાને રૂ કેટેગરીની સુરક્ષા આપી છે. તેથી રાઉન્ડ અબાઉટ કંગના ફરતે પહેરો રહે છે.
બીજી બાજુ સોફી ચૌધરી પોતાની ફિટનેસ માટે ઘણી જ સજાગ રહે છે. સોશિયલ મીડિયામાં તે ફિટનેસ વીડિયો ઉપરાંત વેકેશનની તસવીરો પણ શૅર કરતી હોય છે. હાલમાં જ સોફી ચૌધરી તથા કંગના રનૌતના બૉડીગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી.
કંગના જે બિલ્ડિંગમાં ડાન્સ ક્લાસ માટે આવે છે, તે જ બિલ્ડિંગમાં સોફી ચૌધરી રહે છે. અહીંયા સોફી ચૌધરીએ કંગના રનૌતના બૉડીગાર્ડ સાથે દલીલો કરી હતી. બિલ્ડિંગની સિક્યોરિટીને ધ્યાનમાં લઈને સૌફીએ બૉડીગાર્ડને બિલ્ડિંગની બહાર અથવા તો ડાન્સ ક્લાસની અંદર ઊભા રહેવાનું કહ્યું હતું. નોંધનીય છે કે આ જ બિલ્ડિંગમાં મલાઈકા અરોરા પણ રહે છે.
’જો તમારે તેને (કંગનાને) ફોલો જ કરવી હોય તો ડાન્સ ક્લાસની અંદર જાવ.’ આના પર ગાર્ડે જવાબ આપ્યો હતો કે તે માટે તેમને પરમિશનની જરૂર છે અને એકવાર પરમિશન મળી જશે પછી તેઓ કંગનાની પાછળ પાછળ ત્યાં પણ જશે. તો સોફીએ એમ કહ્યું હતું, ’ઠીક છે, હું કંગના સાથે વાત કરું છું.’ આ સાંભળતાં જ ગાર્ડે એવું કહ્યું હતું, ’કંગના સાથે વાત કરવાની કોઈ જરૂર નથી.’
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયો અંગે હજી સુધી કંગનાએ કોઈ રિએક્શન આપ્યું નથી. જોકે, યુઝર્સે આ વીડિયો જોઈને કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, ’હાહાહા.. કંગના હમણાં જ સોફી અંગે કંઈક વાત કરશે.’ અન્ય એકે કહ્યું હતું કે ઓવર એક્ટિંગ કરે છે.’