એક્ટ્રેસ શહનાઝ ગિલના પિતાને પાકિસ્તાનથી ધમકી,૫૦ લાખ આપો, નહીં તો સુધીર સૂરી જેવું વર્તન કરશે

અમૃતસર, બોલિવૂડ એક્ટ્રેસ શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ પાસેથી ૫૦ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી છે. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. સંતોખ સિંહને શનિવારે એક પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને પાકિસ્તાની નાગરિક તરીકે ઓળખાવ્યો અને ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી.

ફોન કરનારે કહ્યું કે અમારી પાસે તમારા વિશેની તમામ માહિતી છે, તમે શું કરો છોપ અને તમે ક્યાં રહો છો. તમારી દીકરીએ ઘણા પૈસા કમાયા છે. ખાણકામના મુદ્દે પણ તમે અટકી રહ્યા છો, જે યોગ્ય નથી. તમે ૫૦ લાખ રૂપિયા આપો તો સારું. નહીં તો તમારી હાલત પણ શિવસેનાના નેતા સુધીર સૂરી જેવી થશે.

નોંધનીય છે કે શિવસેના (તક્સાલી)ના નેતા સુધીર સૂરીની ૫ નવેમ્બર, ૨૦૨૨ના રોજ અમૃતસરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બિયાસ પોલીસ સ્ટેશનના પ્રભારી ગુરિન્દર સિંહે કહ્યું કે હજુ સુધી તેમને કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ આવશે તો તપાસ કરશે. તેમણે કહ્યું કે સંતોખ સિંહને પહેલાથી જ સુરક્ષા આપવામાં આવી છે.

શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા સંતોખ સિંહે વિધાનસભા અને લોક્સભાની ચૂંટણી લડી હતી. ૨૦૨૨માં પણ સંતોખ સિંહને અજાણ્યા મોબાઈલ નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ફોન કરનાર આરોપીએ દિવાળી પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ ૨૦૨૧માં જ બે બાઇક સવાર યુવકોએ તેની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા બાઇક સવાર યુવક સામે ગુનો નોંયો હતો.