અચાનક બેભાન થઈ યુવાઓના મોત વધવા લાગ્યા:સુરતમાં 6 દિવસમાં 24ના મોત, અચાનક ઢળી પડવું, ચક્કર બાદ બેભાન થઈ મોત, હાર્ટ એટેકની આશંકા

સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં શહેરમાં 24 જેટલા વ્યક્તિઓના અચાનક મોત થયા છે. આવા કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આ મૃત્યુમાં લોકોને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક સંબંધિત અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. આ તમામ મૃતકોમાં 20 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના યુવાનોનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી આ મૃત્યુનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી, પરંતુ ડોકટરોનું કહેવું છે કે, હાર્ટ એટેક જેવી ઘટનાઓ સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, માનસિક તણાવ, અસ્વસ્થ જીવનશૈલી, સ્થૂળતા અને દારૂ તેમજ તમાકુના વધુ પડતા સેવનને કારણે થઈ શકે છે. ખાસ કરીને યુવાવસ્થામાં સ્ટ્રેસ અને ખાવાની ખરાબ આદતોથી હૃદયરોગ થઈ શકે છે. આ સિવાય વધતું પ્રદૂષણ, ખરાબ હવાની ગુણવત્તા અને અન્ય પર્યાવરણીય પરિબળો પણ આ સમસ્યા માટે મુખ્ય પરિબળ હોય શકે છે.

કેસ 1 પુણામાં કલ્યાણનગર સામે ઝુપડપટ્ટીમાં રહેતી 25 વર્ષીય નિકિતા અરવિંદ પંચોલીની સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેના માતા-પિતાનું અવસાન થયું હતું. તે તેના ભાઇ સાથે રહેતી અને ખેત મજૂરી કામ કરતી હતી. તેનો ભાઇ છુટક મજુરી કરે છે.

કેસ 2 સચીનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ટી.એફ.ઓ ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો 32 વષીય વિમલેશકુમાર ઉદય નારાયણ પાલ બપોરે કામ કરીને જમવા માટે રૂમમાં ગયો હતો. ત્યાં સ્નાન કરીને જમવાની તૈયારી કરતો હતો. તે સમયે અચાનક તબિયત બગાડતા ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશમાં કાનપુરનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે.

કેસ 3 ડીંડોલીમાં નવાગામમાં મોદી સ્ટ્રીટમાં રહેતો 45 વર્ષના રમેશ ભગુભાઈ રાઠોડ શનિવારે સવારે લિંબાયતમાં દુભાર્લ ખાતે એસ.કે નગરમાં પગપાળો પસાર થતો હતો. ત્યારે અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે 108ને જાણ કરતા ત્યાં એમ્બ્યુલન્સ પસીને તેને સ્ટાફે મૃત જાહેર કર્યો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે મજુરી કામ કરતો હતો.

કેસ 4 ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટી ખાતે રહેતા 38 વર્ષીય ચિંતામણ ઈશ્વર ફતપુરે મજુરી કામ કરતા હતા. શનિવારે સવારે પરવટ ગામ આરોગ્ય કેન્દ્ર પાસે અચાનક બેભાન થયા બાદ તેમનું મોત થયું હતું

કેસ 5 મૂળ ઉત્તરપ્રદેશના વતની શિવમ નરેશ પટેલ (22 વર્ષ) મહિના પહેલા રોજગારીની શોધમાં પત્ની સાથે સુરત આવીને ડિંડોલી માર્ક પોઇન્ટ પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો હતો. તે ડાઇંગ મિલમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે બપોરે શિવમ ઘરમાં આરામ કરવા માટે સૂઈ ગયો હતો. ત્યારબાદ પત્ની શીતલે તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શિવમના 10 માસ પહેલાં જ લગ્ન થયા હતા.

કેસ 6 કોસાડ આવાસમાં H-1માં 38 વર્ષીય મુકેશ શંકરભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. તે છેલ્લા ઘણાં સમયથી બેકાર ઘરે બેસી રહેતો હતો. તેમજ તેની માતા અન્ય લોકોના ઘરમાં ઘર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે મુકેશ ઘરમાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેને 108 એમબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

કેસ 7 મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગૌરવપથ રોડ આવેલા પ્રિસ્ટેજ રેવાન્ટા રેસીડેન્સીમાં મદનલાલ મુદિટલાલ શૈની (47 વર્ષ) ગામના મિત્રો સાથે રહેતો હતો. તે ટાઈલ્સ ફીટિંગ કરવાનું કામ કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે રાત્રે તે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન ગુરુવારે સવારે તેના દિનેશ નામના મિત્રએ તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ડોકટરોના મતે, અચાનક હૃદયરોગનો હુમલો સામાન્ય રીતે કેટલાક મુખ્ય લક્ષણો સાથે આવે છે.

  1. છાતીમાં તીવ્ર દુખાવો: આ દુખાવો સામાન્ય રીતે છાતીના મધ્ય ભાગમાં અનુભવાય છે અને ક્યારેક તે ગરદન, પીઠ, ખભા અથવા હાથ સુધી ફેલાય છે.
  2. શ્વાસ લેવામાં તકલીફઃ હાર્ટ એટેક દરમિયાન શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  3. ચક્કર અને નબળાઈ: હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી મળતું નથી, જેના કારણે ચક્કર અને નબળાઈ અનુભવાય છે.
  4. નર્વસનેસ અથવા બેચેની: અચાનક હાર્ટ એટેક આવવાથી વ્યક્તિ નર્વસ અનુભવે છે.
  5. પરસેવો: હાર્ટ એટેક દરમિયાન વ્યક્તિને અચાનક પરસેવો આવવા લાગે છે.

કેમ બેભાન થઈ જાય છે? સામાન્ય રીતે આ અવસ્થા અસ્થાયી હોય છે, જે મગજને ઓક્સિજન ન પહોંચાડવાની સ્થિતિમાં થાય છે, પણ ઘણી વખત ગંભીર કારણોને લીધે પણ એવું થઈ શકે છે. હાઇપરટેન્શન કે લો બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય ત્યારે મગજ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચી શકતો નથી અને દર્દી અચાનક બેભાન થઈ જાય છે. ઘણી ‌વખત બેભાન થઈ જવાનું કારણ બહુ સામાન્ય હોય છે અને તાત્કાલિક થનારી પ્રતિક્રિયા હોય છે, પરંતુ ઘણી ‌વખત આ કોઈ ગંભીર બીમારી અથવા ડિસઓર્ડરનો સંકેત પણ હોઈ શકે છે.