અનંતપુર, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અકસ્માત બાદ ઈનોવા ડ્રાઈવર મૃતદેહને કારની છત પર રાખીને ૧૮ કિલોમીટર સુધી કાર ચલાવતો રહ્યો. આ પછી તે મૃતદેહ સાથે કારને નિર્જન સ્થળે છોડીને ભાગી ગયો હતો. પોલીસે કારના માલિકની શોધખોળ હાથ ધરી છે. જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર મામલો અનંતપુર જિલ્લાના આત્મકુર મંડલનો છે. અહીં એક ઇનોવા કાર અને બાઇક સવાર સામસામે અથડાયા હતા. આ પછી, ઇનોવા ચાલકે ૧૮ કિલોમીટર સુધી કારની છત પર મૃતદેહ સાથે કાર ચલાવવાનું ચાલુ રાખ્યું.
આત્મકુર એસઆઈ મુનીર અહેમદના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ ૮ વાગ્યે એનએચ-૫૪૪ ડી નજીક એક ટુ-વ્હીલર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અને જર્જરિત હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બાઇક સવારને શોધવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ ઘણા પ્રયત્નો છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ હજુ બાઇક સવાર વિશે જાણવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક રાત્રે સાડા આઠ વાગે એક ગ્રામજનોનો ફોન આવ્યો. ફોન કરનાર ગ્રામજનોએ જણાવ્યું કે બાઇકની જગ્યાથી લગભગ ૧૮ કિલોમીટર દૂર ઇનોવા કાર પાર્ક કરવામાં આવી હતી. આ કારની છત પર યુવકની લાશ પડી છે. જેમ જેમ તપાસ આગળ વધી, તેમ જાણવા મળ્યું કે આ બાઇક નજીકના ગામમાં રહેતા યોરીસામીની છે, જેની લાશ કારની ઉપર પડી હતી.
ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે, ગામલોકોએ પોલીસને કાર અંગે જાણ કરતાં જ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કહ્યું કે તેઓએ કારના માલિકની ઓળખ કરી લીધી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ બાદ મૃતક બાઇક સવારનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.