- મારા ભૂતકાળ સાથે મારા પુત્રને લેવાદેવા નથી, એ દારૂ નથી પીતો : તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. આ દરમિયાન એક જગુઆર કાર ચાલકે લોકોને અડફેટે લેતા એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત ૯ લોકોના થયા છે. અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જયારે આ ઘટના અંગે સવાલો કર્યા ત્યારે તેમણે આખી ઘટના અંગે વિગતવાર વાતચીત કરી હતી. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, સૌથી પહેલાં રાત્રે મારી પત્ની પર કોઈનો ફોન આવ્યો હતો કે, તથ્યનો અકસ્માત થયો છે. એટલે મને વાત મળી કે મારા છોકરાને ત્યાં ટોળાએ ઘેરી લીધો છે. હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો. લોકો મારા છોકરા સાથે હાથાપાઈ કરી રહ્યાં હતા એટલે હું ત્યાંથી મારા દિકરાને લઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાંથી નીકળતી વખતે મેં સમગ્ર મામલે સેટેલાઈટ પીઆઈને કોલ કરીને પણ સમગ્ર માહિતી આપી હતી. મેં આ કેસમાં પોલીસને પુરતો સહકાર આપવાની પણ વાત કરી હતી.
દરમિયાન હાજર રહેલ લોકોએ એવું પણ જણાવ્યું હતુંકે, રાત્રે જ્યારે આ અકસ્માત થયો ત્યારે અચાનાક એક ગાડી આવી હતી. જેમાંથી એક શખ્સે બંદૂક બતાવીને ટોળા સાથે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં તે શખ્સ અકસ્માત કરનાર યુવકને ફટાફટ પોતાની કારમાં બેસાડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, અકસ્માત બાદ તથ્યએ પોતાના ઘરે ફોન કર્યો હતો. ટોળા દ્વારા તેને માર મારવામાં આવી રહ્યો હોવાની વાત કરી હતી.
જેથી અકસ્માતની ગણતરીની મિનિટોમાં જ કાર ચાલક નબીરાના તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાની ગાડી લઈને પુત્રને બચાવવા આવ્યાં હતાં. ટોળાને જોઈને પુત્રને છોડાવવા માટે પ્રજ્ઞેશ પટેલે બંદૂક કાઢીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, આ ઘટના અંગે જ્યારે અમારી ટીમે ખુદ આરોપીના પુત્ર પ્રજ્ઞેશ પટેલને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુંકે, આ વાત સાવ ખોટી છે.
કાર ચાલક આરોપી તથ્યના પિતા અને જાણીતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, એ બધી વાતો ખોટી બનાવેલી છે. મીડિયા આખી વાતને શું સ્વરૂપ આપે એ મને ખબર નથી. પણ જ્યારે મને અકસ્માતની જાણ થઈ ત્યારે તરત હું રાત્રે ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં ૫૦૦ લોકોનું ટોળું હતું. પબ્લિક મારા છોકરાને મારી રહી હતી. તેથી મેં એને છોડાવ્યો. તથ્યને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હું પબ્લિક વચ્ચેથી તેને લઈને હોસ્પિટલ લઈ ગયો. મેં કોઈને ઘન કે બંદૂક બતાવી નથી.