અકસ્માત બાદ કાર ભડકે બળી, ડ્રાઇવર અંદર ફસાઈ જતાં કાર સાથે ભડથું થયો

ભાવનગર, અમરેલી જિલ્લાના રાજુલાનો એક પરિવાર કારમાં અમદાવાદ ગયો હતો. એ બાદ કારચાલક આ પરિવારને ઉતારી પરત ફરી રહ્યો હતો. એ વેળાએ ભાવનગર જિલ્લાના ભાલ પંથકના માઢિયા નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતાં અકસ્માત થયો હતો. એ બાદ કાર સળગી ઊઠતાં કારચાલક આધેડ ભડથું થઈ ગયો હતો. ભાવનગરમાંથી એક અઠવાડિયામાં જ આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે.

સમગ્ર બનાવની મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલામાં રહેતા અને વ્યવસાય સાથે સંકળાયેલા હૈદર અલી નામના વેપારીને પરિવાર સાથે કોઈ સામાજિક પ્રસંગે અમદાવાદ જવાનું હોવાથી ગત રોજ બપોરના સમયે તેની ઈકો કાર નં-જી-જે-૧૪-એપી-૭૧૦૬ માં ડ્રાઈવર હનીફ દાદુ કુરેશી (ઉં.વ.૫૨) સાથે રવાના થયા હતા, દરમિયાન હૈદર અલીને તેના પરિવાર સાથે અમદાવાદમાં ડ્રોપ કરી ડ્રાઈવર હનીફભાઈ કાર લઈને પરત રાજુલા આવવા નીકળ્યા હતા. દરમિયાન ભાવનગર જિલ્લાના ભાલ પંથકમા આવેલા માઢિયા ગામ નજીક દસનાળા પાસે પહોંચતાં સામેથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહને કારને અડફેટે લેતાં અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર હનીફભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં ચાલક કારની બહાર નીકળે એ પૂર્વે કાર ભડભડ સળગી ઊઠી હતી, જેથી ચાલક કારમાં જ ફસાયો હતો અને અગનઝાળામાં સપડાઈ જતાં કારની સાથે સળગીને ભડથું થયો હતો. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને તેમજ વરતેજ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી કાર ચાલકના મૂર્તદેહને પોલીસને સોંપતાં પોલીસે અસ્થિનો કબજો લઈ તપાસ માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં લાવ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.