અબુધાબી, અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરે રેકોર્ડ કર્યો છે. અબુધાબીના હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લા મૂકાયાના ૧ મહિનાની અંદર ૩.૫ લાખ જેટલા ભક્તો મુલાકાત લઈ ચૂકયા છે. સપ્તાહના અંતમાં મંદિરમાં મુલાકાતીઓનો વધુ ધસારો હોય છે. દર શનિવાર અને રવિવારે અંદાજે ૫૦ હજાર જેટલા લોકો આ હિન્દુ મંદિરની મુલાકાત લેતા હોય છે. જો કે સોમવારે સામાન્ય લોકો માટે મંદિર બંધ રાખવામાં આવે છે.
નોંધનીય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન ૧૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. પીએમ મોદીએ આ મંદિરના નિર્માણ માટે યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. અબુ ધાબીમાં આ પ્રકારનું પ્રથમ હિન્દુ મંદિર છે. હિન્દુ મંદિરમાં ગંગા અને યુમાના પવિત્ર જળમાંથી ગંગા આરતી કરવામાં આવે છે. મંદિરના સંભાળ રાખનારાઓનું કહેવું છે કે મંગળવારથી રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે સ્વામિનારાયણ ઘાટ પર આ ગંગા આરતી કરવામાં આવે છે. આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મંદિરની મુલાકાત લેનારા ઘણા ભક્તો પણ મંદિરનું સ્થાપત્ય અને વાસ્તુકલા જોઈને સ્તબ્ધ થયા હતા.
અબુધાબીના આ હિન્દુ મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈ-અબુધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહેબા પાસે ૨૭ એકરમાં આશરે રૂ. ૭૦૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ૧.૮ લાખ ઘન મીટર રેતીના પથ્થરમાંથી બનેલ આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તે સમગ્ર ખાડી વિસ્તારમાં સૌથી મોટો છે. હિન્દુ મંદિરનું ઉદઘાટન થયા બાદ તેને લોકો માટે જાહેર કર્યાના પ્રથમ રવિવારે આશ્ર્ચર્યજનક ૬૫,૦૦૦ જેટલા ભક્તોએ મુલાકાત લીધી હતી. એક ભક્તે જણાવ્યું કે મેં પ્રથમ વખત કોઈ મંદિરમાં આટલી મોટી જનમેદની જોઈ છે. આટલી બધી ભીડ જોઈ મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન કરી શકીશ નહીં, પરંતુ અમે અદ્ભુત દર્શન કર્યા અને અત્યંત સંતુષ્ટ થયા. બીએપીએસના સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓની સારી કામગીરીના પ્રતાપે આ શક્ય બન્યું હું તે તમામને શુભેચ્છા આપું છું. ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આ હિન્દુ મંદિર માટેની જમીન યુએઈ સરકારે દાનમાં આપી છે. અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોયામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ૨૦ હજાર ટનથી વધુ ચૂનાના ટુકડાઓ કોતરવામાં આવ્યા હતા અને ૭૦૦ કન્ટેનરમાં અબુધાબી લાવવામાં આવ્યા હતા.