અબુ ધાબીમાં પરિવાર સાથે છે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, UAEએ આપી શરણ

તાલિબાનની કાબુલમાં એન્ટ્રી થતાની સાથે જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ભાગી ગયા હતા. સૌપ્રથમ તેઓ તજાકિસ્તાન પહોંચ્યા છે, તેવા સમાચાર મળ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરિકા ગયા હોવાના સમાચાર મળ્યા હતા. જોકે આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) તરફથી નિવેદન આવ્યું છે કે અશરફ ગની UAEમાં છે.

UAE સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમણે માનવીય વિચારોને જોતા અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને શરણ આપી છે. જો કે તેઓ અબૂધાબીમાં ક્યાં છે તેની જાણકારી આપી નથી.કાબુલ પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ રવિવારે દેશ છોડી દીધો હતો. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે તાજિકિસ્તાન પહોંચી ગયો છે, પરંતુ તેમની ફ્લાઇટ ત્યાં લેન્ડ થઈ શકી નહોતી. તેમની સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહિબ પણ છે. અશરફ ગનીનું કહેવું છે કે તેમણે દેશ એટલા માટે છોડી દીધો જેથી અફઘાનિસ્તાનમાં વધુ રક્તપાત ન થાય. પરંતુ અફઘાનિસ્તાનના નાગરિકો તેમના મુશ્કેલ સમયમાં દેશ છોડવાને લઈને ખૂબ જ ગુસ્સે છે.