મુંબઇ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને ૪ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે ૨૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઓપનિંગ કરવા આવેલા અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆતથી જ પોતાની બેટિંગ ચાલુ રાખી હતી. તેણે પોતાની ઇનિંગમાં ૨૮ બોલ રમીને ૬૬ રન બનાવ્યા જેમાં ૫ ફોર અને ૬ સિક્સ સામેલ હતી.
અભિષેક શર્માએ પોતાની ઇનિંગ દરમિયાન ૬ સિક્સર ફટકારી હતી. આ સાથે તે આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે આઇપીએલ ૨૦૨૪માં કુલ ૩૯ સિક્સર ફટકારી છે. તે નંબર વન પર પહોંચી ગયો છે. અભિષેકે આરસીબીના વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ પહેલા ભારત માટે આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે હતો. કોહલીએ આઇપીએલ ૨૦૧૬માં ૩૮ સિક્સર ફટકારી હતી. ૠષભ પંતે આઇપીએલ ૨૦૧૮માં ૩૮ સિક્સર ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ આઇપીએલ ૨૦૨૪માં ૩૭ સિક્સર ફટકારી છે. શિવમ દુબેએ આઇપીએલ ૨૦૨૩માં કુલ ૩૫ સિક્સર ફટકારી હતી.
આઇપીએલ ૨૦૨૪માં અભિષેક શર્મા ખૂબ સારા ફોર્મમાં છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. તેણે આઇપીએલ ૨૦૨૪ની ૧૩ મેચોમાં ૪૬૭ રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર ૭૫ રન રહ્યો છે.