રાયપુર,અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાની મુશ્કેલીઓ વધી છે. પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે ફરાર જાહેર કરી છે. વર્ષ ૨૦૧૯ માં લોક્સભાની ચૂંટણી દરમિયાન ભાજપની ઉમેદવાર રહેલી જયા પ્રદા વિરુદ્ધ આચાર સહિતા ભંગના બે કેસ રાયપુરમાં નોંધાયા હતા. આ મામલે સુનાવણી રામપુરની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી હતી. કોર્ટે જયા પ્રદા માટે ઘણા બધા સમન્સ જાહેર કર્યા પરંતુ તે કોર્ટની તારીખો દરમ્યાન હાજર રહી નથી. આ ઉપરાંત જયા પ્રદા વિરુદ્ધ વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં જયા પ્રદા કોર્ટમાં હાજર થઈ નથી જેના કારણે હવે જયા પ્રદાને ફરાર જાહેર કરવામાં આવી છે.
સ્પેશિયલ કોર્ટે જયા પ્રદાને ફરાર જાહેર કરી દીધી છે. અભિનેત્રીને ફરાર જાહેર કરતા પહેલા કોર્ટે રામપુરના એસપીને ઘણી વખત લેખિતમાં પણ આદેશ કર્યો કે અભિનેત્રી કોર્ટમાં હાજર થાય પરંતુ જયા પ્રદા કોર્ટમાં હાજર થઈ નહીં જેના કારણે કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ ૮૨ સીઆરપીસીની કાર્યવાહી કરીને પોલીસ અધિક્ષકને એક ડેપ્યુટી એસપીની આગેવાનીમાં ટીમ બનાવીને ૬ માર્ચ ૨૦૨૪ સુધીમાં અભિનેત્રીને કોર્ટમાં હાજર કરવાના આદેશ કર્યા છે.
આ અંગે વરિષ્ઠ અધિકારી અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે, કોટે પૂર્વ સાંસદ જયા પ્રદાને ફરાર ઘોષિત કર્યા છે. તેમના વિરુદ્ધ કલમ ૮૨ સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે એસપીને પત્ર લખીને એક ટીમ બનાવીને જયા પ્રદાની ધરપકડ કરી ૬ માર્ચ સુધીમાં કોર્ટમાં હાજર કરવાના આદેશ કર્યા છે.
વર્ષ ૨૦૧૯ માં જયા પ્રદા વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનમાં આચાર સંહિતા ભંગના બે કેસ નોંધવામાં આવ્યા હતા. જે મામલે પોલીસે ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજૂ કરી હતી. જેમાંથી સ્વાર મામલામાં ગવાહી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ અન્ય એક મામલે ગવાહી બાકી છે પરંતુ જયા પ્રદા કોર્ટમાં હાજર નથી થઈ રહી. જેને લઈને કોર્ટે તેના વિરુદ્ધ આ આદેશ જાહેર કર્યો છે.