મુંબેઈ, કરણ જોહરનું કહેવું છે કે આલિયા ભટ્ટનું ખરું લૉન્ચ ’હાઇવે’ દ્વારા થયું હતું. આલિયાએ બૉલીવુડમાં કરણ જોહરની ફિલ્મ ’સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. જોકે કરણનું માનવું થોડું અલગ છે. ઇમ્તિયાઝ અલીની ’હાઇવે’માં આલિયાએ કામ કર્યું હતું. એ ફિલ્મ માટે તેની ઍક્ટિંગનાં ખૂબ વખાણ થયાં હતાં. કરણની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ ’રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ આલિયાએ કામ કર્યું હતું.
આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ હતો અને તેમની જોડી ખૂબ વખણાઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે રણવીર અને આલિયા સાથેનો ફોટો શૅર કરીને કરણે કૅપ્શન આપી હતી, ‘આ વર્ષ પૂરું થાય એ પહેલાં હું દરેક સાથે આ વાત શૅર કરવા માગું છું. મેં ૨૦૧૨ બાદ આલિયાને ડિરેક્ટ નહોતી કરી. એક દિવસ તે જ્યારે મનીષ મલ્હોત્રા અને મિકી કૉન્ટ્રૅક્ટરનાં કપડાંમાં આવી રહી હતી ત્યારે મને મારી રાની મળી ગઈ હતી. તે એક એવી ઍક્ટર હતી જેને માટે હું પોતે પ્રીપેર નહોતો. હું એમાં ઝીરો ક્રેડિટ લઉં છું. હું હંમેશાં ઇમ્તિયાઝ અલીનો આભારી રહીશ કે તે આલિયાને લાઇફના હાઇવે પર લઈ ગયો અને તેણે આલિયાને એક ઍક્ટર તરીકે વિકસિત થવાનો રસ્તો દેખાડ્યો. ટેક્નિકલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ તેનું લૉન્ચ કહેવાશે, પરંતુ એક આટસ્ટ તરીકે તેનું લૉન્ચ ‘હાઇવે’ દ્વારા થયું હતું. ફિલ્મના સેટ પર આલિયાનું હાજર હોવું એક ગર્વની વાત છે. તેણે રાનીના પાત્રને એકદમ સ્ટ્રૉન્ગ બનાવ્યું છે જેથી લોકો એને પસંદ કરે. આ વાતમાં પણ હું કોઈ ક્રેડિટ નહીં લઉં, કારણ કે એક આટસ્ટ તરીકે એ કર્યું હતું. રાની ચૅટરજી તરીકે તે અમારી વચ્ચે હતી એ બદલ હું ખૂબ આભારી છું. આલિયા તને ખૂબ પ્રેમ.’
રણવીર વિશે વાત કરતાં કરણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘રણવીર સિંહ. નેચરની એક અદ્ભુત ફોર્સ. તે ઍક્ટર તરીકે ખૂબ તૈયારી કરે છે અને ક્યારેય તમારા રસ્તામાં નથી આવતો. તેણે રૉકી રંધાવા માટે જે તૈયારી કરી હતી એ વિશે મને ક્યારેય ખબર નહોતી પડવા દીધી. તેણે મારી ટીમ સાથે મળીને તૈયારી કરી હતી. તેણે દિલ્હીમાં મહિનાઓ સુધી સમય વિતાવ્યો હતો અને વેસ્ટ દિલ્હીના બૉય્સ સાથે સમય પસાર કર્યો હતો. તેણે એક ઑબ્સેસ આટસ્ટ તરીકે બોલી પર ખૂબ કામ કર્યું હતું. તેને પર્ફેક્શન લાગે ત્યાં સુધી તેણે ઇમ્પ્રોવાઇઝ કર્યું હતું. મેં એક ફિલ્મમેકર તરીકે તેની પ્રોસેસ જોઈ છે અને હું અવાચક થઈ ગયો હતો. તમે મૅગેઝિનના કવર પર તેને ડિઝાઇનર ક્લોથમાં જોતા હશો, પરંતુ હું એક ભૂખ્યા ઍક્ટરને જોઉં છું જે લોકોના પ્રેમ અને વૅલિડેશન ઝંખે છે. તેણે જેવું કામ કર્યું છે એ કામ કોઈ નહીં કરી શકે. હું આલિયા અને રણવીરનો ખૂબ આભારી છું. અમે ત્રણ વર્ષથી અમારી ફ્રેન્ડશિપ પર કામ કરી રહ્યાં છીએ.’