અભિનેતા શાહરુખ ખાને મેદાન પર જ હાથ જોડીને માફી માગી

મુંબઇ, કોલકાતા નાઈટ રાઇડર્સ આઇપીએલ ૨૦૨૪ના ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળની કોલકાતાએ પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. કેકેઆર અને હૈદરાબાદ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં કેકેઆરની જીત બાદ ટીમના કો-ઓનર શાહરૂખ ખાને હાથ જોડીને માફી માંગી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેચ પછી શાહરૂખ ખાન, તેની પુત્રી સુહાના ખાન અને પુત્ર અબ્રાહમ ખાને મેદાનમાં ચક્કર લગાવીને ચાહકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન ભૂલથી લાઈવ શોની વચ્ચે આવી ગયો હતો જે શો પૂર્વ ભારતીય ક્રિકેટર્સ આકાશ ચોપરા, પાથવ પટેલ અને સુરેશ રેના કરી રહ્યા હતા. શાહરૂખે પૂર્વ ભારતીય ક્રિકેટરોને લાઈવ શો કરતા ન જોયા અને ભૂલથી શો ની વચ્ચે આવી ગયો હતો. પરંતુ કિંગ ખાનને પોતાની ભૂલ સમજાઈ કે, તે લાઈવ શોની વચ્ચે આવી ગયો છે તેણે તરત જ માફી માગી લીધી હતી. શાહરૂખે શો કરી રહેલા ત્રણેય ક્રિકેટરોને ગળે લગાવ્યા અને બહાર નીકળતી વખતે ફરી એકવાર હાથ જોડીને માફી માગી હતી. ત્યારબાદ આકાશ ચોપરાએ કહ્યું કે શાહરૂખ ભૂલથી વચ્ચે આવી ગયો હતો અને તેણે માફી માગી પરંતુ અમે તેમને કહ્યું કે તમે અમારો દિવસ બનાવી દીધો. શાહરૂખનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો. આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા આકાશ ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, તેઓ એક લેજેન્ડ છે. ખૂબ પ્રેમ અને સન્માન.