મુંબઈ, બોલીવૂડના ભાઈજાન તરીકે ઓળખાતા કલાકાર સલમાન ખાનના મુંબઈના બાન્દ્રા ખાતેના ફલેટ પર આજે વહેલી પરોઢે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે બાઈક્સવારો વહેલી પરોઢે આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં સલમાનના ફલેટની બાલ્કની તરફ તાકીને ધડાધડ ગોળીઓ વરસાવી ફરાર થઈ ગયા હતા.
આ ગોળીબારના થોડા કલાકો બાદ જ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી અને સલમાનને ચેતવણી આપી હતી કે આ તો હજુ ટ્રેઈલર છે. સલમાનને અગાઉ પણ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી ચૂકી છે. આ બનાવને પગલે દોડતી થયેલી મુંબઈ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ૧૫ તપાસ ટીમો રચી શકમંદ હુમલાખોરોની તપાસ આદરી છે. સલમાન ખાને હજુ બે દિવસ પહેલાં જ રમઝાન ઈદના દિવસે બાંદરામાં તેના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતેની જે ગેલેરીમાં ઊભા રહી હજારો ચાહકોને ઈદ મુબારક પાઠવ્યા હતા તે જ ગેલેરી પર આજે ગોળીઓ છોડવામાં આવી હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ હુમલાખોરોએ છ રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે, આ સમયના સીસીટીવી ફૂટે જ બહુ ઝાંખા હોવાથી બાઈકનો નંબર કેપ્ચર કરી શકયો ન હતા. જોકે, બાદમાં પોલીસે અન્ય સીસીટીવી ફૂટેજ રીલિઝ કર્યાં હતાં જેમાં આ શકમંદ હુમલાખોરોના ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તેવા દેખાય છે. પોલીસે સલમાનના ઘર પાસેથી આ ગોળીબાર કરનારા હુમલાખોરો દ્વારા વપરાયેલી મનાતી એક બાઈક પણ કબજે કરી હતી.
શરુઆતમાં એવા અહેવાલો હતા કે સલમાનના ઘરની બહાર હવામાં ગોળીબાર થયો છે. જોકે, બાદમાં સ્થળ પર પહોંચેલી ફોરેન્સિક ટીમોએ સલમાનના ફલેટની દીવાલ પર ગોળીઓના નિશાન તથા અન્ય પુરાવાના આધારે નક્કી કર્યું હતું કે સલમાનના ફલેટને નિશાન બનાવીને જ ગોળીઓ છોડવામાં આવી હતી. ગોળીબાર થયો ત્યારે સલમાન આ ફલેટમાં જ હાજર હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે સલમાન ખાનના પરિવાર કે પોલીસ તરફથી અધિકૃત રીતે કશું જણાવાયું ન હતું. એક ગોળી ગેલેરીના પડદાની આરપાર નીકળી હોવાનું કહેવાય છે.
સલમાનને બિશ્ર્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી બાદ તેને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ છે. તેના ઘરની બહાર હંમેશા એક પોલીસ વાન તૈનાત હોય છે. આમ છતાં પણ હુમલાખોરો ગોળીઓ છોડીને સિફતપૂર્વક ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ તત્કાળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ટીમોનાં ધાડેધાડાં સલમાનના ફલેટ તથા આસપાસના વિસ્તારમાં ઉતરી પડયાં હતાં . ગોળીબાર કેવી રીતે , ક્યાંથી થયો, કેટલી ગોળીઓ છૂટી તે ઉપરાંત બાઈક ચાલકોના સગડ મેળવવા માટે પોલીસ ટીમો કામે લાગી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર તપાસનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો. સલમાનના નિવાસસ્થાન આસપાસની સુરક્ષામાં અનેકગણો વધારો કરી દેવાયો હતો. પોલીસે આ બનાવ અંગે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આઈપીસી ૩૦૭ સી ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળની કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે.
બનાવની જાણ થયા બાદ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સલમાન તથા તેના પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી અને હુમલાખોરોને તરત પકડી લેવામાં આવશે તેવો સધિયારો આપ્યો હતો. બાદમાં રાજ્યમાં ગૃહ ખાતાંનો હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે પોલીસ હુમલાખોરોની ભાળ મેળવવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે.
સલમાન બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટના પ્રમાણમાં બહુ સાદા ફલેટમાં રહે છે. બિશ્નોઈ ગેંગની ધમકી મળ્યા બાદ તેણે બુલેટ પ્રૂફ કાર પણ વસાવી છે. વર્ષો પહેલાં સલમાન આ ગેલેરીમાંથી નિયમિત બહાર નીકળીને ચાહકોને ઝલક આપતો હતો. પરંતુ, ધમકીઓ મળવી શરુ થયા બાદ પોલીસે એ ક્રમ બંધ કરાવી દીધો છે. બહુ લાંબા સમય બાદ હજુ બે દિવસ પહેલાં જ તેણે ઈદના દિવસે આ ગેલેરીમાંથી ચાહકોને ઝલક આપી મુબારકબાદ પાઠવ્યા હતા.
સલમાનને સ્વરક્ષણ માટે ગન રાખવાની છૂટ છે. આ ઉપરાતં વાય પ્લસ કેટેગરીના કારણે તેની સાથે સતત પોલીસ કાફલો તૈનાત રહે છે. અગાઉ સલમાનના પિતા સલીમ ખાનને ધમકીનો પત્ર મળ્યા બાદ તથા સલમાનની હત્યારા માટે શૂટરને મોકલાયો હોવાના ઘટસ્ફોટ બાદ પોલીસે સલમાનના બહાર નીકળવાના પ્રસંગો પર વ્યાપક અંકુશો લાદી દીધા છે. સલમાનને તેની ગેલેરીમાં ચાહકોને ઝલક આપવા આવવાની કે જાહેરમાં ટોળાં વચ્ચે જવાની મનાઈ પણ ફરમાવવામાં આવી છે.