
મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને સમન્સ જારી કર્યું છે. તેમને ૬ ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો મહાદેવ બેટીંગ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. આ ઓનલાઈન સટ્ટાબાજીની એપને કારણે બોલીવુડના ૧૭ સ્ટાર્સ ઈડીના રડાર પર છે. થોડા અઠવાડિયા પહેલા આ કેસમાં ટાઈગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર અને રાહત ફતેહ અલી ખાન જેવા દિગ્ગજ લોકોના નામ સામે આવ્યા હતા. હવે આ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂરની પૂછપરછ થવાની છે. દુબઈમાં ૨૦૦ કરોડ રૂપિયાના લગ્નમાં હાજરી આપ્યા બાદ આ તમામ સ્ટાર્સ મુશ્કેલીમાં છે.
ગેરકાયદે સટ્ટાબાજીના આ મામલામાં ED એ હવે મોટું પગલું ભર્યું છે અને સેલેબ્સને સમન્સ મોકલવાનું શરૂ કર્યું છે. જ્યાં સૌથી પહેલું નામ રણબીર કપૂરનું આવે છે. તપાસ એજન્સીએ આ કેસમાં અભિનેતાને ૬ ઓક્ટોબર ૨૦૨૩ એટલે કે શુક્રવારે પૂછપરછ માટે બોલાવ્યો છે. જ્યાં ED તેને લગ્નમાં હાજરી, પરફોર્મન્સ, પેમેન્ટ વગેરેથી લઈને અન્ય પ્રશ્ર્નો પૂછી શકે છે.
ગયા મહિને ઈડીએ ઘણા શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ૪૧૭ કરોડ રૂપિયાની જંગી રકમ મળી આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નની માહિતી અને વીડિયો સામે આવ્યો. પ્રમોટરે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન કર્યા હતા. જ્યાં તેણે પાણીની જેમ ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
આ ગ્રાન્ડ વેડિંગમાં અનેક સેલિબ્રિટીઝની ભાગીદારી વિશે માહિતી સામે આવી હતી. એક અહેવાલ મુજબ, સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બોલિવૂડના ઘણા ગાયકો, અભિનેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. જે વીડિયો સામે આવ્યો હતો તેમાં ઘણા સેલેબ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હવાલા દ્વારા આ સેલેબ્સને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. હવે ED આ પેમેન્ટને લઈને સેલેબ્સની પૂછપરછ કરવા જઈ રહી છે.