- ફિલ્મની કમાણી જોતાં લાગે છે કે તેનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડી શકે છે.
મુંબઇ,
કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ શહેજાદા બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. બોલિવૂડના હિટ મશીન ગણાતા કાર્તિક આર્યનની ફિલ્મ પહેલાં જ વીકેન્ડમાં ફુસ્સ ગઈ હતી. આ ફિલ્મ દર્શકોને બોક્સ ઓફિસ પર આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. વીકએન્ડ બાદ શહેજાદાની કમાણીનો ગ્રાફ ઘટી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે ફિલ્મને તેની કિંમત વસૂલવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. આવો જાણીએ કે સોમવારે શહેજાદાનું કલેક્શન કેવું રહ્યું અને ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.
કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ શહેજાદા વિશે જે પ્રકારનો બઝ બનાવવામાં આવ્યો હતો, તે ફિલ્મ ચાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. કમાણીના મામલામાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. શહેજાદાની શરૂઆતના દિવસની કમાણીની વાત કરીએ તો શુક્રવારે પહેલા દિવસે ૬ કરોડનું કલેક્શન થયું હતું. બીજા દિવસે શનિવારે ફિલ્મે ૬.૬૫ કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે, રવિવારે, શહેઝાદાએ માત્ર ૭.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મ ‘શહેજાદા’એ વીકેન્ડ પર માત્ર ૨૦.૨૦ કરોડની કમાણી કરી હતી.
કોમેડી ફિલ્મ ‘શહેજાદા’ની કમાણીમાં સોમવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે માત્ર ૨.૫૦ કરોડનું જ કલેક્શન કર્યું હતું. આ રીતે ફિલ્મનું અત્યાર સુધી કુલ ૨૨.૭૦ કરોડનું કલેક્શન થયું છે.
ભુલ ભુલૈયા ૨ ફિલ્મ હિટ સાબિત થયા બાદ એવું માનવામાં આવતું હતું કે, કાર્તિક પોતાના અભિનયથી ફેન્સને આકર્ષી શકશે, પરંતુ આ વખતે આ ‘શહેજાદા’ કંઈ ખાસ બતાવી શકી નથી. રોહિત ધવન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ શહેજાદામાં કાર્તિક ની સાથે કૃતિ સેનન, રોનિત રોય, મનીષા કોઈરાલા, પરેશ રાવલ અને સચિન ખેડેકર જેવા તેજસ્વી કલાકારો હતા. ફિલ્મ શેહઝાદા સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરામુલૂની હિન્દી રિમેક છે.