મુંબઇ,ચૂંટણી પંચ દ્વારા લોક્સભા ચૂંટણી ૨૦૨૪નું બ્યુગલ વાગી ગયું છે. આ ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. પાર્ટીઓ એક પછી એક લોક્સભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સૂત્રોને ટાંકીને મોટા સમાચાર સામે આવ્યા છે. માનવામાં આવે છે કે બોલિવૂડ એક્ટર ગોવિંદા પણ આ વખતે લોક્સભા ચૂંટણી લડી શકે છે. તેઓ એકનાથ શિંદેના શિવસાણામાંથી ચૂંટણી લડી શકે છે.
સૂત્રોનું માનીએ તો બોલિવૂડ એક્ટર ગોવિંદા શિવસેના શિંદે જૂથના સંપર્કમાં છે. શિવસેના મહારાષ્ટ્રની મહત્વની લોક્સભા સીટ મુંબઈ ઉત્તર-પશ્ર્ચિમથી ગોવિંદાને પોતાનો ઉમેદવાર બનાવી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોલિવૂડ એક્ટર ગોવિંદા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ૫ દિવસ પહેલા મળ્યા હતા.
આ વખતે શિંદે જૂથ મુંબઈ ઉત્તર-પશ્ર્ચિમ લોક્સભા બેઠક પરથી વર્તમાન સાંસદ ગજાનન કીતકરને ટિકિટ આપવાનું ટાળી રહ્યું છે. આ કારણે એક્ટર ગોવિંદાનું નામ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે અભિનેતા ગોવિંદા ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈથી સાંસદ રહી ચૂક્યા છે.
લોક્સભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૯મી એપ્રિલે ૫ બેઠકો પર, બીજા તબક્કામાં ૨૬મી એપ્રિલે ૮ બેઠકો પર, ત્રીજા તબક્કામાં ૭મી મેના રોજ ૧૧ બેઠકો પર, ચોથા તબક્કામાં ૧૩મી મેના રોજ ૧૧ બેઠકો પર અને પાંચમા તબક્કામાં ૧૧ બેઠકો પર મતદાન થશે. ૧૩ બેઠકો પર ૨૦મી મેના તબક્કામાં ચૂંટણી થશે.
તમને જણાવી દઈએ કે આ વખતે મહારાષ્ટ્રમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે થવાનો છે. મહાયુતિમાં ભાજપ, એનસીપી અને શિવસેના સાથે છે. જ્યારે મહાવિકાસ અઘાડી પાસે શિવસેના યુબીટી, એનસીપી શરદ પવાર અને કોંગ્રેસ છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેની એમએનએસ પણ મહાયુતિમાં સામેલ થઈ શકે છે.