મુંબઇ,
બોલીવુડના જાણીતા અભિનેતા અને ડાઈરેક્ટર સતિષ કૌશિકનું નિધન થયું છે. આ દુખદ સમાચાર તેમના નીકટના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આપ્યા. તેમણે લખ્યું કે જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત હું જીવતા જીવ ક્યારેક મારા જીગરી મિત્ર સતિષ કૌશિક વિશે લખીશ એ મે સપનામાં પણ વિચાર્યું નહતું.
સતિષ કૌશિક બોલીવુડના જાણીતા અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડાયરેક્ટર, અને નિર્માતા હતા. તેમનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૬૫ના રોજ હરિયાણામાં થયો હતો. બોલીવુડમાં પોતાનો બ્રેક મેળવતા પહેલા તેમણે થિયેટરમાં કામ કર્યું હતું. ફિલ્મ અભિનેતા તરીકે તેમને ૧૯૮૭માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરથી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણએ ૧૯૯૭માં દીવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતિષ કૌશિકને ૧૯૯૦માં રામ લખન માટે અને ૧૯૯૭માં સાજન ચલે સસુરાલ માટે સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યો હતો.
સતિષ કૌશિકે શાળાના અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો. કિરોડીમલ કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધુ હતું. તેમણે ૧૯૮૩માં બોલીવુડમાં પ્રવેશ કર્યો. ૧૯૮૫માં તેમણે શશિ કૌશિક સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન બાદ તેમના જીવનમાં દુખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમના પુત્રનું માત્ર ૨ વર્ષની વયે નિધન થયું હતું.
બોલીવુડ અભિનેતા સતિષ કૌશિકે ૭ માર્ચના રોજ બોલીવુડના સેલેબ્સ સાથે હોળી રમી હતી. જાવેદ અખ્તર અને શબાના આઝમીની હોળી પાર્ટીમાં સતિષ કૌશિકે ખુબ મસ્તી કરી હતી. જે તેમની છેલ્લી ટ્વીટથી જોઈ શકાય છે. સતિષ કૌશિકના અચાનક નિધનથી સિને જગત હચમચી ગયું છે.