અભિમાનને સાઈડમાં મુકી ઈંગ્લેન્ડ પાસેથી શીખો: વૉનની બીસીસીઆઇને સલાહ

નવીદિલ્હી,

જોશ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો છે. ટી-૨૦ ચેમ્પિયન બન્યા બાદ ટીમના પૂર્વ કેપ્ટન માઈનલ વોને પોતાની ટીમના વખાણ કરવાના બહાને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને ખાસ સલાહ પણ આપી દીધી છે. વૉને કહ્યું કે બીસીસીઆઈએ ઘમંડ છોડીને ઈંગ્લેન્ડ પાસેથી શીખવું જોઈએ કે આઈસીસી ટૂર્નામેન્ટ કેવી રીતે જીતી શકાય છે.

વોને કહ્યું કે, ઈંગ્લેન્ડે વર્લ્ડકપ એટલા માટે જીત્યો કેમ કે તેની પાસે સૌથી સારી ટીમ છે પરંતુ આપણે અનેક પ્રસંગે જોયું છે કે સર્વશ્રેષ્ઠ ટીમો આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી. ૨૦૧૯ વિશ્વકપ ફાઈનલ ઈંગ્લેન્ડેજીત્યો હતો અને ત્યારે પણ તેણે આવું જ કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમને ભાગ્યનો સાથ મળ્યો કેમ કે તે તેની હક્કદાર હતી.

માઈકલ વોને કહ્યું કે, ઈંગ્લેન્ડ ક્યારેય ગભરાયું નથી. ૨૦૧૯માં તે પાકિસ્તાન અને શ્રીલંકા સામે ટૂર્નામેન્ટની શરૂઆતમાં હારી ગઈ હતી. અહીં તે આયર્લેન્ડ સામે હારી હતી. બન્ને સમયે ઈંગ્લેન્ડની આશા સમાપ્ત થઈ શકે તેમ હતી. જો કે કેવી રીતે જીતવું છે તેની તેને ખબર હતી.

વોને ભારતીય ટીમને સંદેશ આપતાં કહ્યું કે, ઈંગ્લેન્ડનું લિમિટેડ ઓવર્સ ખેલાડીઓનું એ ગ્રુપ અસાધારણ હતું. ઈંગ્લેન્ડની ટીમ એવા માપદંડ સ્થાપિત કરી રહી છે જેનું અનુસરણ દુનિયાએ કરવું જોઈએ. તેમણે જોવું જોઈએ કે ઈંગ્લેન્ડમાં ક્રિકેટનું સંચાલન કેવીરીતે થઈ રહ્યું છે ? તેઓ શું કરી રહ્યા છે ? જો હું ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહ્યો હોત તો હું મારા ઘમંડને છોડીને ઈંગ્લેન્ડ પાસેથી પ્રેરણા જરૂર લેત.