અબડાસા તાલુકાના પિંગ્લેશ્વર નજીક દરિયાકાંઠેથી ચોખાના બાચકમાંથી રૂા.૫.૩૪ કરોડનું અફઘાની ચરસ બિનવારસુ મળી આવતા આ મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. કચ્છના દરીયાઇ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થોની હેરાફેરી થઇ રહી છે. ત્યારે વધુ એક વખત બીન વારસુ ચરસ પકડાતા સુરક્ષા એન્જસીઓ સર્તક બની છે.કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કડુલી અને પિંગ્લેશ્વર વચ્ચે કડુલી ગામ પાસે દરિયાકાંઠે એક બાચકું બિનવારસુ હાલતમાં પડયું છે.
બિરિયાની રાઈસ પ્રીમિયમ ક્વોલિટી વાળા લખાણવાળા બાચકાંને ખોલીને જોતાં તેમાં ૧૦ ચરસનાં પેકેટ મળ્યાં હતાં . પોલીસે આ માદક પદાર્થ અફઘાની ચરસ પ્રથમ શ્રેણી – કક્ષાનું હોવાનું સામે આવ્યું છે અને જેની એક કિલોની આંતરરાષ્ટ્રીય કિં.રૂ.૫૦ લાખ છે . જો કે આ પદાર્થના નમૂના મેળવી ગાંધીનગર ખાતે પરીક્ષણ અર્થે મોકલી દેવાયા છે. બિનવારસું હાલતમાં મળેલાં આ માદક પદાર્થના ૧૦ પેકેટોનું કુલ વજન ૧૦.૬૯ કિલોગ્રામ જેની કિં.રૂ.૫,૩૪,૫૦,૦૦૦ છે. આ અંગ કોઠારા પોલીસે ગુનો દાખલ કર્યો છે . આ કામગીરીમાં ઈન્ચાર્જ સર્કલ પીઆઈ એ . એમ . મકવાણા, કોઠારા પી.આઈ.જે.જે.રાણા તથા સર્કલ પોલીસ કચેરીના એએસઆઈ અનિરુદ્ધસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, દામજીભાઈ મારવાડા, પ્રવીણભાઈ ચૌધરી, અનિલભાઈ ખટાણા, નસીબખાન ડેર જોડાયા હતા.
સામાન્ય રીતે અગાઉ કચ્છના દરિયાકિનારે ટાપુઓ પરથી મળતાં ચરસનાં પેકેટ કરતાં આ મળેલો ચરસનો જથ્થો ઉચ્ચ ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું છે. અગાઉ મળેલા ચરસનાં એક કિલોના એક પેકેટની કિં.રૂા.૧.૫૦ લાખ છે, પરંતુ આ ચરસની એક કિલોની કિં.રૂા.૫૦ લાખ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દ્વારકાના વરવાળા પાસેના રૂપેણ બંદરેથી સુરક્ષા એજન્સીએ ડ્રગ્સના પેકેટ કબજે કર્યા હતા અને બે દિવસ પહેલાં પણ લખપતના રોડાસર ક્રીકમાંથી પણ બીએસએફને ચરસનાં બે પેકેટ બિનવારસુ મળ્યાં હતાં . આમ અરબસાગરમાં ડ્રગ્સ માફિયાઓ ફરી સક્રિય થયા હોવાનું આ બાબતોથી સ્પષ્ટ થાય છે.