કોલકતા,
વિપક્ષીદળના નવા બનેલા ગઠબંધન ઇન્ડિયાની જાહેરાત બાદ હવે પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં તેની અસર જોવા મળી રહી છે. પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ગઠબંધન ઇન્ડિયાને લઈને નવા પોસ્ટરો લાગ્યા છે. શહેરભરમાં અનેક જગ્યાએ લાગેલા આ પોસ્ટરમાં દિલ્હી તરફ ઈશારો કરતા મમતા બેનર્જીની તસવીર સાથે લખ્યુ છે કે, ’અબકી બાર દિલ્હી મેં ઇન્ડિયા સરકાર’. મહત્વની વાત એ છે કે, બંગાળમાં લાગેલા આ પોસ્ટર પર હિંદી ભાષામાં લખવામાં આવ્યું છે.
૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વ વાળા એનડીએનો વિજય રથ રોકવા માટે ૨૬ વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી છે. ૧૮ જુલાઈના રોજ આ વિપક્ષી પાર્ટીઓની બેઠક કર્ણાટકની રાજધાની બેંગલોરમાં યોજાઈ હતી. જ્યાં બધાએ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈક્ધ્લુઝિવ એલાયન્સ-ઈન્ડિયા નામનો એનડીએ વિરોધી મોરચો બનાવવાની જાહેરાત કરી હતી.
કોલકાતામાં આ પોસ્ટરો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે આ મહિનાના અંતમાં ઇન્ડિયાની ત્રીજી બેઠક યોજાવા જઈ રહી છે. ઇન્ડિયાની આ બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠક પણ બેંગલોર જેવી જ હશે. જેમાં પ્રથમ દિવસે એટલે કે ૩૧ ઓગસ્ટે રાત્રિભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૧લી સપ્ટેમ્બરે દિવસ દરમિયાન મુખ્ય સભા યોજાશે. તે જ દિવસે બેઠક બાદ વિપક્ષી ગઠબંધનના નેતા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના આહવાન પર ૨૩ જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં પીએમ મોદીને સત્તા પરથી હટાવવા માટે એકજૂથ થઈને ચૂંટણી લડવાની રણનીતિ પર સહમતિ સધાઈ હતી.
વિપક્ષી ગઠબંધનની ત્રીજી બેઠકની યજમાની શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કરશે. બંને જ પાર્ટીઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનનો હિસ્સો છે.