લખનૌ,સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કથિત રીતે એક પોટલી ફેંકી છે અને આ પોટલીમાંથી લાલ કપડુ અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલી વસ્તુઓ મળી આવી છે. પોલીસે આઝમ ખાનના પરિવારજનોની ફરિયાદ પર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસે જણાવ્યુ કે આઝમ ખાનના ઘરમાં ગુરૂવારે એક વ્યક્તિએ કાળી થેલીમાં લપેટાયેલી પોટલી ફેંકી અને તેમાં લાલ કપડુ તેમજ જાદુ-ટોણા સાથે સંબંધિત સામગ્રી હોવાની વાત સામે આવી રહી છે. પોટલી ફેંકનાર વ્યક્તિની તસવીર આઝમ ખાનના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળી રહી છે.
આઝમ ખાનની પત્ની અને પૂર્વ સાંસદ ડો. તજીન ફાતિમાએ રામપુર પોલીસને પત્ર લખીને આ ઘટના પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. તજીન ફાતિમાએ પોતાના પત્રમાં પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે તેમના નિવાસ સ્થાને ૨૪ કલાક વાય કેટેગરીની સુરક્ષા તૈનાત છે તો આ ઘટના કેવી રીતે ઘટી. ખોટા કેસ ચલાવીને રામપુરને બરબાદ કરનારુ તંત્ર કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
પોલીસે જણાવ્યુ કે ગુરૂવારે મોડી રાત્રે માહિતી મળી હતી કે આઝમ ખાનના નિવાસ સ્થાને એક પોટલી ફેંકવામાં આવી છે અને આ પોટલીમાં ટોપી અને અમુક વ છે. તેમણે જણાવ્યુ કે સીસીટીવી કેમેરાના ફૂટેજ અનુસાર આ ઘટના સવારે ૬.૧૭ મિનિટની છે. પોટલી ફેંકનાર વ્યક્તિની હજુ ઓળખ થઈ શકી નથી અને તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ મામલે સુરક્ષાકર્મચારીઓની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવશે. પોલીસે અત્યારે પોટલી જપ્ત કરી છે.