સ્વાતંત્ર્ય પર્વે મંચ પરથી દાહોદવાસીઓને રોજ પાણી આપવાની ગુલબાંગો પોકારનારા દાહોદ નગરપાલિકાના પ્રમુખ આખરે પાણીના મામલે પાણીમાં બેસી ગયા

દાહોદ, દાહોદ શહેરને બબ્બે ડેમોના પાણી મળતા હોવા છતાં પાણીની લાઈનોમાં ઊભી થતી કેટલીક ટેકનિકલી ક્ષતિઓ તેમજ નગરપાલિકાના સત્તાધિશોના સંકલન વિહોણા વહીવટને કારણે દાહોદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પાણીના પોકારો પડી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો પ્રજા અને કાઉન્સિલર વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા અને તેના ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને પ્રજાએ તે સાંભળ્યા પણ ખરા. દાહોદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા કાંઈ નવી નથી. બબ્બે ડેમોના પાણી મળવા છતાં સત્તાધીશો સંકલનના અભાવે પાણીની સમસ્યા ઉકેલી શકવામાં વામણા પુરવાર થયા છે. ત્યારે પાણીની સમસ્યાના નિકાલ માટે દાહોદના ધારાસભ્યે પણ પોતાની નૈતિક ફરજ સમજી આ મામલો ગાંધીનગરના દરબારમાં પહોંચાડી આ મામલાના ઉકેલની લોકોમાં આશા જગાવી છે.

દાહોદ શહેરમાં પીવાનું પાણી પૂરૂં પાડતા પાટાડુંગરી ડેમમાં પણ શહેરને જોઈએ તેટલું પાણી હાલમાં નથી તે સનાતન સત્ય છે. તેમજ કડાણા ડેમમાંથી આવતું પાણી અવારનવાર પાણીની લાઈનમાં સર્જાતી ક્ષતિઓને કારણે દાહોદ સુધી લાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પણ નિર્વિવાદિત છે અને સૌ કોઈ જાણે પણ છે. દાહોદવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયેલી પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી દાહોદવાસીઓને કનડી રહી છે. તેમાંય વળી પાલિકાના સત્તાધીશો દ્વારા પાણીના વિતરણને મામલે કેટલાક વિસ્તારમાં કિન્નાખોરી દાખવાતી હોવાના ઠેર ઠેર આક્ષેપો થઈ રહ્યા છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બે દિવસના આતરે એટલે કે પાણી આપ્યું હોય તે દિવસ પછીના બે દિવસ છોડીને ત્રીજે દિવસે શહેરના તમામ વિસ્તારમાં વારા પ્રમાણે પાણી આપવામાં આવતું હતું. પાણીની સમસ્યા ઊભી થતા પ્રજાને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના મનસ્વી રીતે કોઈપણ જાતના સર્ક્યુલર ફેરવ્યા વિના ચાર દિવસે અને પાંચ દિવસે પાણી આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું તે કેટલે અંશે વ્યાજબી છે? ટેક્સના નાણા ઉઘરાવવામાં પાવરધી નગરપાલિકાએ ક્યારેય પણ નગરજનોને નિયમિત પાણી આપવાનું વિચાર્યું છે ખરૂં?. પાણીના મામલે કેટલા કાઉન્સિલરો તો ફોન ઉઠાવવાનું પણ ટાળતા જોવા મળી રહ્યા છે. પાણીની સમસ્યાની ગંભીરતા પારખી દાહોદ શહેરના એક વોર્ડના નિષ્ઠાવાન કાઉન્સિલર પોતાના મતદારોને સ્વખર્ચે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી પાણીની સમસ્યા હળવી કરવાનો સુચારૂં પ્રયાસ કરી રહ્યા છે. જો તે કાઉન્સિલર પોતાના વિસ્તારના લોકો માટે આટલું કરતા હોય તો અન્ય વિસ્તારના કાઉન્સિલરો પોતાના વિસ્તારના લોકોની પાણીની તકલીફમાં સહભાગી થવામાં કેમ પાછી પાની કરે છે?તે વિચારવા જેવું છે.