મુંબઇ, આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ ૨ ૨૫ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં ગદર ૨ અને ઓએમજી ૨ જેવી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં ચાલી રહી છે. બંને ફિલ્મો વચ્ચે પણ ડ્રીમ ગર્લ ૨ સારું પ્રદર્શન કરી રહી છે. જોઈ શકાય છે મોટી મોટી ફિલ્મો વચ્ચે પણ ડ્રિમ ગર્લ ૨ પહેલા દિવસથી સારો બિઝનેસ કરી રહી છે. ત્યારે રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે.
ફિલ્મે ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે ૧૦.૬૯ કરોડનો બિઝનેસ કર્યો હતો. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે કમાણીના આંકડામાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે ૧૪.૦૨ કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે પણ, ડ્રીમ ગર્લ ૨ નો જાદુ બોક્સ ઓફિસ પર કામ કરી ગયો છે અને આ ફિલ્મે શરૂઆતના બંને દિવસોની સરખામણીમાં રવિવારે વધુ સારો બિઝનેસ કર્યો છે.
પ્રારંભિક અહેવાલ મુજબ, ડ્રીમ ગર્લ ૨ એ ત્રીજા દિવસે અંદાજે ૧૬ કરોડનો બિઝનેસ કર્યો છે, જે એક સારો આંકડો છે અને તે દર્શાવે છે કે ચાર વર્ષ પછી પણ પૂજાનો ચાર્મ અકબંધ છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયો હતો. લોકોને તે ભાગ ઘણો પસંદ આવ્યો, ત્યાર બાદ હવે મેર્ક્સ ડ્રીમ ગર્લ ૨ લઈને આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડ્રીમ ગર્લ ૨ એ ત્રણ દિવસમાં ૪૦.૭૧ કરોડની કમાણી કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે, ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર ૧૪૨.૨૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. નુસરત ભરૂચા તેની વિરુદ્ધ ફિલ્મમાં જોવા મળી હતી. જોકે નુસરત ડ્રીમ ગર્લ ૨નો ભાગ નથી. આ વખતે તેની સામે અનન્યા પાંડે જોવા મળી છે. આયુષ્માન અને અનન્યાની સાથે આ પહેલી ફિલ્મ છે. આમાં પરેશ રાવલ, વિજય રાજ, રાજપાલ યાદવ પણ દેખાયા છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે એક્તા કપૂર અને શોભા કપૂર નિર્માતા છે. જો કે આ ફિલ્મ તેના પહેલા ભાગને પાછળ છોડી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.