આયુષ્માન ખુરાનાએ બૉર્ડર ૨માં કામ કરવાની ના પાડી દીધી

૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’ને ૧૩ જૂને ૨૭ વર્ષ પૂરાં થયાં ત્યારે સની દેઓલે આ ફિલ્મની સીક્વલ બનાવવાની જાહેરાત કરી હતી અને એ માટેની જવાબદારી અનુરાગ સિંહને સોંપી હતી. સની દેઓલ અને આયુષ્માન ખુરાના ‘બૉર્ડર ૨’માં લીડ ઍક્ટર હશે એવી જાહેરાત થઈ હતી, પણ હવે જાણવા મળે છે કે આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં કામ કરવા જ નથી માગતો.

જાણવા મળ્યું છે કે આયુષ્માન આ ફિલ્મમાં પહેલાં સૈનિકની ભૂમિકા કરવા તૈયાર હતો, પણ પછી આયુષ્માનને લાગ્યું કે સની દેઓલ સામે તે પ્રભાવી રીતે ભૂમિકાને ન્યાય આપી શકશે નહીં.

મૂળ ફિલ્મ ‘બૉર્ડર’ જે. પી. દત્તાએ બનાવી હતી અને એમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના અને જૅકી શ્રોફ જેવા પીઢ કલાકારો હતા. એવું જાણવા મળે છે કે ડિરેક્ટર અનુરાગ સિંહ સીક્વલને પણ સ્ટાર-સ્ટડેડ બનાવવા માગે છે. આ વૉર-ડ્રામામાં પંજાબી ઍક્ટર-સિંગર દિલજિત દોસંજ પણ જોવા મળી શકે છે. જોકે આ મુદ્દે કંઈ જ સ્પષ્ટ જાણકારી મળતી નથી કે નિર્માતાઓએ દિલજિતનો સંપર્ક કર્યો હતો કે નહીં. એવું પણ શક્ય છે કે દિલજિત અને સની દેઓલ એક્સાથે સ્ક્રીન પર જોવા મળી શકે, કારણ કે ઉત્તર ભારતમાં આ બે સ્ટારના લાખો ચાહકો છે. નવેમ્બરમાં આ ફિલ્મ ફ્લોર પર જશે.