- જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
- અસરકારક વિતરણ, રિએક્શનના કિસ્સામાં સારવારની તૈયારીઓનું આયોજન કરવા માટેની કવાયત
કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને જનસામાન્ય સુધી પહોંચાડવાના ભાગરૂપે યોજાનાર વેક્સિનેશન ડ્રાઇવને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે આવતીકાલે પંચમહાલ જિલ્લામાં ૬ સ્થળોએ ડ્રાય રન યોજાશે. આ અંગે જિલ્લા કલેકટર અમિત અરોરાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા સદન ખાતે વેક્સિનેશન સાથે સંકળાયેલા અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરએ સેશન્સ સાઇટ્સ, ભાગ લેનાર કર્મચારીઓ, વેઈટિંગ રૂમ, વેક્સિનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમમાં માર્ગદર્શિકા અનુસાર રાખવાની થતી સુવિધાઓ, વેક્સિનેશન ઓફિસર સહિતના કર્મચારીઓની ભૂમિકા, વિપરીત અસરના કિસ્સામાં તૈયારીઓ અંગે વિગતવાર માહિતી લઈ સમગ્ર કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન અને સુચના આપ્યા હતા.
આવતીકાલે જિલ્લામાં ગોધરામાં દલુંની વાડી ખાતે, હાલોલમાં કંજરી કુમાર પ્રાથમિક શાળા, કાલોલમાં એડબ્લ્યુસી સેટકો ખાતે, શહેરામાં એસ.જી. દવે હાઈસ્કૂલ ખાતે, મોરવા હડફમાં તાલુકા પ્રાયમરી શાળા તેમજ ઘોઘમ્બામાં ઘોઘમ્બા પ્રાથમિક શાળા ખાતે વેક્સિનનો ડ્રાય રન હાથ ધરવામાં આવશે. તાલુકા કક્ષાના કેન્દ્રોએ ડ્રાયરન બાદ નોડલ ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક યોજી સમગ્ર પ્રક્રિયામાં રહી ગયેલી ખામીઓ અંગે ચર્ચા કરી તેને વધુ અસરકારક બનાવવા પણ જિલ્લા સમાહર્તાશ્રીએ જણાવ્યું હતું. આ તમામ કેન્દ્રોએ જિલ્લા કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ હાથ ધરશે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરીકો સુધી પહોંચાડવા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું.
ડ્રાય રન એટલે શું?
ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઈ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઈ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રિયા કરવામાં આવશે.