પંચાયતી રાજ મંત્રાલયે એક આવકાર્ય પહેલ કરી છે કે દેશભરની પંચાયતોના યુવા જનપ્રતિનિધિઓ અને સાથે જ અધિકારીઓને નેતૃત્વ અને પ્રબંધનનું પ્રશિક્ષણ આઇઆઇએમ જેવી સંસ્થાઓ પાસે આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત આઇઆઇએમ અમદાવાદમાં પહેલી બેચનું પ્રશિક્ષણ આ જ મહિને શરૂ થવા જઈ રહ્યું છે. આ જ રીતે ગ્રામ પ્રધાનોને પણ પ્રશિક્ષણ અપાવવામાં આવશે. એટલું જ નહીં, યોજના એ પણ છે કે પંચાયત પ્રતિનિધિઓની સાથે ગ્રામ પ્રધાનોને અન્ય સંસ્થાઓથી પણ ઉપલબ્ધ સંસાધનોનો બહેતર ઉપયોગ કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે. તમામ પંચાયત પ્રતિનિધિઓ અને ગ્રામ પ્રધાનોને આઇઆઇએમ સંસ્થાઓથી પ્રશિક્ષણ આપવું આસાન નથી, તેથી એવી પણ કોઈ વ્યવસ્થા કરવી જોઇએ જેનાથી ચરણબદ્ઘ રીતે અન્ય પંચાયત પ્રતિનિધિઓ અને ગ્રામપ્રધાનોને પ્રશિક્ષિત કરી શકાય. આ કામમાં સફળતા ત્યારે જ મળશે જ્યારે તમામ રાજ્ય સરકારો એવા પ્રશિક્ષણ પ્રત્યે સકારાત્મક વલણ દાખવશે. દેશના ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે ગ્રામ પ્રધાનોથી લઈને પંચાયતના પ્રતિનિધિઓને એક તરફ જ્યાં પારદર્શી રીતે કામ કરવાની જરૂર છે, ત્યાં જ બીજી તરફ એની પણ કે તે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા સંસાધનોનો બહેતર રીતે ઉપયોગ કરે. અનેક ગ્રામ પ્રધાનો અને પંચાયત પ્રતિનિધિઓએ પોતાના કાર્યોથી અનુકરણીય ઉદાહરણ પૂરાં પાડ્યાં છે. ઘણા એવાં ગામ છે જેનો કાયાકલ્પ થયો છે, પરંતુ કેટલાય ગામો એવાં પણ છે જ્યાં પર્યાપ્ત ધન ઉપલબ્ધ કરાવવા છતાં અપેક્ષિત કાર્યો નથી થઈ શક્યાં.
એક એવા સમયે જ્યારે રાજ્ય સરકારોની સાથે સાથે કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ માટે પર્યાપ્ત ધનરાશિ આપી રહી છે ત્યારે એ સુનિશ્ર્ચિત કરવું જ જોઇએ કે ગામડાંનો યોગ્ય રીતે વિકાસ થાય. વાસ્તવમાં ગામડાંને માત્ર એ શહેરી સુવિધાઓથી સજ્જ કરવાની જ જરૂરિયાત નથી, જેના અભાવે લોકો શહેરી વિસ્તારો તરફ પલાયન કરે છે, બલ્કે તેમને આત્મનિર્ભર બનાવવાની પણ છે. આપણા નીતિ-નિયંતા એની અવગણના ન કરી શકે કે નાગરિક સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર વગેરે કારણોથી ગામડાંથી શહેરો તરફ પલાયનનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેને અટકાવવાની જરૂર છે અને તેમાં ત્યારે જ સફળતા મળશે જ્યારે ગામડાં સુવિધાથી સંપન્ન બનશે અને ત્યાંનું સમગ્ર માળખું બહેતર થશે. જેટલું શહેરોના સંદર્ભમાં એ જરૂરી છે કે તે સુનિયોજિત વિકાસને પ્રાથમિક્તા આપે એટલું જ ગામડાંને લઈને એ જરૂરી છે કે તે હાલની અપેક્ષાઓ અને જરૂરિયાતોના આધાર પર પ્રગતિ કરે. એ સાચું છે કે ગામડાંમાં સંસાધન વધી રહ્યાં છે, પરંતુ એ ન કહી શકાય કે તેઓ એ અપેક્ષાઓને પણ પૂરી કરી રહ્યા છે જે ત્યાં રહેનારા લોકોની છે- વિશેષ કરીને પોતાની બુનિયાદી જરૂરિયાતોની દૃષ્ટિએ.