ટીએટી અને ટીઇટી ભરતીને ૠષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે માધ્યમિક અને હાયર માયમિકમાં ૭૫૦૦ શિક્ષકોની ભરતી કરશે. ટેટ ૧ અને ૨ માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથેએ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં ૮૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્વાશન આપ્યુ હતુ. છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ૧૫મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવુ આશ્વાશન આપ્યુ હતુ. જે મુદત પૂરી થતા જ ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. ઉમેદવારો કહે છે કે, અમે એક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ. કાયમી નોકરી માટે અમે આ અગાઉ પણ ૧૨ વખત આંદોલન કર્યુ હતુ.
પોલીસના દંડા ખાનારા ઉમેદવારોનો આક્રોશ હવે પરાકાષ્ટાએ છે. તેઓ કહે છે કે, જો હવે સરકાર કોઈ જાહેરાત નહી કરે તો અમે શહીદ ભગતસિંહના માર્ગે જઈશે. જો કે, પોલીસે રોડ ઉપર જે યુવતીને ઘસડી હતી તેના સહીતની અન્ય કેટલીયે યુવતીઓએ કહ્યુ કે, અમારા ભાઈની વાત સાચી છે. કેમકે મુંગી અને બહેરી સરકાર હવે અમારુ સાંભળતી નહી હોવાથી શહીદ ભગતસિંહનો માર્ગ જ યોગ્ય છે.
જોકે આ મુદ્દે અમે કુબેર ડીંડોરને મળતા તેઓએ એવું કહ્યું કે, ’શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.’ આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.’ અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, ’કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે.’