
ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં ચુંટણી બાબતે ત્રણ ઈસમોએ એકપંસ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયાર જેવા કે, તલવાર, લોખંડની પાઈપ, હાથમાં પથ્થર વિગેરે લઈ આવી બે વ્યક્તિઓને હથિયારો વડે માર મારી લોહી લુહાણ કરી, શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડ્યાં બાદ ત્રણે જણાએ ભારે ધિંગાણું મચાવી એકે ગળામાં પહેરી રાખેલ સોનાની ચેઈનની પણ લુંટ ચલાવી ધમકીઓ આપી નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા.૧૨મી ઓગષ્ટના રોજ સુખસર નગરમાં રહેતાં વિક્રમભાઈ સોમાભાઈ સંગાડા, નિલેશભાઈ ભાવાભાઈ સંગાડા અને ટીનાભાઈ રામાભાઈ સંગાડાનાઓ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે તલવાર,લોખંડની પાઈપ અને હાથમાં પથ્થરો લઈ આવ્યાં હતાં.અને સુખસર ગામમાં રહેતાં ધવલભાઈ રમેશભાઈ સંગાડા અને વિશાલભાઈ પાસે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, સુખસરમાં સરપંચની ચુંટણી આવે છે તેમાં ડાહ્યાં થવાની જરૂર નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં.અને પોતાની સાથે લાવેલ હથિયારો વડે ધવલભાઈ અને વિશાલભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી લોહીલુહાણ કરી,આજે તો બચી ગયા છો હવે પછી મારી નાંખીશું, તેવી ધમકીઓ આપી નાસી જતાં વિસ્તારમાં આ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે ઈજાગ્રસ્ત ધવલભાઈ રમેશભાઈ સંગાડાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટર : સંજય કલાર, ફતેપુરા