આઉટ સોર્સિંગ એજન્સીઓની મનમાની સામે કર્મચારીઓ દ્વારા પંચમહાલ જીલ્લા પંચાયતમાં વિરોધ વ્યકત કર્યો

  • આઉટસોર્સિંગ એજન્સીઓની તાનાશાહી સામે કર્મચારીઓ દ્વારા જીલ્લા પંચાયતમાં હલ્લાબોલ.
  • -ડીડીઓ દ્વારા એજન્સીઓ સામે કાર્યવાહીની ખાતરી અપાઈ.

આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયત વેતન કરતા ઓછું વેતન ચુકવાતુ હોવાની તેમજ પાંચ વર્ષથી બોનસ, ઈપીએફ ઈએસઆઈસી, ગણવેશ ધોલાઈ, લીવ ઓન કેસ સહિતના ચુકવણામાં એજન્સીઓ દ્વારા મોટા પાયૈ ખાયકી થતી હોવાની ફરિયાદ ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા પંચમહાલ જિલ્લાના સીડીએચઓને કરવામાં આવી હતી. તેમજ કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવવા કર્મચારીઓને વડોદરા બોલાવી એજન્સીઓ દ્વારા ધાકધમકીઓ આપતા હોવાની ફરિયાદ પણ કર્મચારીઓએ કરેલ આ બાબતે સીડીએચઓને તમામ કર્મચારીઓ વચ્ચે આવી એમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની તેમજ તમામ ચુકવણાની યોગ્ય તપાસ કરવાની બાંહેધરી આપવાનો આગ્રહ કરતા સીડીએચઓએ ઈન્કાર કરતા કર્મચારીઓએ મુખ્ય દરવાજા આગળ જ અડીંગો જમાવી અવર જવર અટકાવી દઈ સુત્રોચ્ચાર થી જીલ્લા પંચાયત ગજવી દેતા જીલ્લા વિકાસ અધિકારીએ (ડીડીઓ) મધ્યસ્થી કરી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાની, તમામ ચુકવણાની તપાસ કરવાની અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપનાર એજન્સીઓના સંચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીયના જણાવ્યા મુજબ દર મહિને ૮.૩૩ ટકા લેખે બોનસની રકમ એજન્સીઓને નહી પણ એસ્ક્રો એકાઉન્ટમાં જમા રાખવા તેમજ દિવાળીએ કર્મચારીઓને ચુકવવા તાજેતરમાં વિભાગીય નાયબ નિયામક દ્વારા આદેશ કરવામાં આવેલ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓના બોનસના નાણા એજન્સીઓ હજમ કરી ગઈ છે એની અનેક ફરિયાદો છતાં જીલ્લાના અધિકારીઓએ તપાસ કરી નથી જેનાથી એવું કહી શકાય કે કર્મચારીઓના પગારમાં ગેરરીતિ આચરવાનો ગોરખધંધો અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે. અગાઉની જેમ જીલ્લાના અધિકારીઓ દ્વારા આ વખતે પણ ફરિયાદ બાબતે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ચુંટણી સહિતની કામગીરી થી પંચમહાલ જિલ્લાના તમામ કર્મચારીઓ અળગા રહી પોતાની તાકાતનો પરચો બતાવશે.